અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા ઓનલાઇન સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા
૩૧મી મે, ૨૦૨૬ સુધી નાગરિકો જાતે ઓનલાઇન વિગતો ભરીને વસ્તી ગણતરી પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા હતા. આ સાથે જ તેમણે શહેર-જિલ્લાના તમામ નાગરિકોને પણ ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ કર્યો હતો.
આ અંગે નાગરિકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે દેશની જનગણના એ વિકાસની જનગણના છે. આગામી તા. ૧ થી ૩૦ જૂન દરમિયાનના પ્રથમ તબક્કામાં ગણતરીદારો દરેક ઘરે આવશે અને વિગતો એકત્ર કરશે. ત્યારે દરેક નાગરિક પોતાની સચોટ માહિતી તેમાં નોંધાવે અને ભારત સરકારની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપે, તે આવશ્યક છે. સફળ, સચોટ અને સર્વસમાવેશી જનગણના માટે આ અત્યંત જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે વસ્તી ગણતરી-૨૦૨૭ સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. વધુમાં, આગામી તા. ૩૧ મે, ૨૦૨૬ સુધી નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે.
આ પ્રકારે નાગરિકો સરળ અને સુરક્ષિત રીતે ડિજિટલ પ્લેટફોર્મ થકી, ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. આવી સક્રીય નાગરિક ભાગીદારીથી આ સમગ્ર કામગીરી વધુ ઝડપી અને સચોટ બનશે.
આમ, રાષ્ટ્રીય સ્તરની આ મહત્ત્વની કવાયતમાં શહેર-જિલ્લાના તમામ નાગરિકોને સક્રીયપણે ભાગ લેવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
