Western Times News

Gujarati News

આણંદની સિવિલ હોસ્પિટલના ઓર્થાેપેડીક ડોકટર ઓપરેશનના રૂ. ૩ હજારની લાંચ લેતા પકડાયા

 હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થાેપેડીક સર્જન ડૉ. ચિંતન સ્નેહલભાઈ શાહે દર્દીના મિત્ર પાસે લાંચની માંગણી કરી હતી

આણંદ, આણંદની સિવિલ (જનરલ) હોસ્પિટલના એક ઓર્થાેપેડીક ડોકટર આજે ઓપરેશન થીયેટર રુમની બહાર લોબીમાં આંગળીના ઓપરેશન માટે રુ. ૩ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે.આણંદમાં રહેતા એક નાગરીકના સંબંધીની હાથની આંગળીનું ઓપરેશન જનરલ હોસ્પિટલ આણંદમાં જ થયું હતું. સરકારના નિયમ મુજબ આ ઓપરેશન વિના મુલ્યે જ થતું હોય છે. પરંતુ હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થાેપેડીક સર્જન ડૉ. ચિંતન સ્નેહલભાઈ શાહે દર્દીના મિત્ર પાસે લાંચની માંગણી કરી હતી.

જેને પગલે દર્દી ખુદ તેમને મળ્યા હતા ત્યારે ઓપરેશનના અવેજ પેટે રુ. ૬૫૦૦ની લાંચની માંગણી કરી હતી. જે બાબતે દર્દીના મિત્રએ રકઝક કરી હતી અને અંતે રુ. ૪ હજારની લાંચ નક્કી થઈ હતી. જે પૈકી રુ. ૧ હજાર દર્દીના મિત્રએ ચુકવી દીધા હતા અને બાકીના રુ. ૩ હજાર આજે ચુકવવાના હતા.ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા. એટલે તેઓ આણંદ ખાતે આવેલી એસીબીની કચેરીએ પહોંચ્યા અને પોતાની ફરિયાદ આપી હતી.

જેને પગલે આજે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીને લાંચના રુ. ૩ હજાર આપવામાં આવ્યા જે લઈને તેઓ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને ઓપરેશન થીયેટર બહાર પ્રથમ માળે ડૉ. ચિંતન શાહ સાથે ફરિયાદીએ લાંચ બાબતે વાતચીત કરી અને તેમને રુ. ૩ હજાર રોકડા આપ્યા. એ સાથે જ એસીબીના પીઆઈ આર. એન. વિરાણી સ્ટાફ સાથે ત્રાટક્યા અને લાંચ લેનાર ડૉ. ચિંતન શાહને ઝડપી પાડ્યા હતા.આ વખતે સુપરવિઝન અધિકારી તરીકે અમદાવાદ એસીબી એકમના મદદનીશ નિયામક એમ. એચ. પુવાર તથા ઈન્ચાર્જ અધિકારી નાયબ નિયામક એસીબી અમદાવાદના હરેશ મેવાડા પણ હાજર રહ્યા હતા. આજે બનેલા આ બનાવને લઈને આણંદ જનરલ હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.