10 દિવસમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારોઃ જયપુરમાં પેટ્રોલ લીટરે રૂ. ૧૧૨.૬૬
નવી દિલ્હી, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિગ કંપનીઓ (OMCs) એ સોમવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં આ ચોથો વધારો છે.અઠવાડિયાના પહેલા દિવસે સોમવારની શરૂઆત મોંઘવારીના એટેક સાથે થઈ છે.
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મોંઘવારીના મારથી ભારે પ્રભાવિત થઈ રહ્યા છે. માત્ર ૧૦ દિવસમાં, તેલ કંપનીઓએ ચોથી વખત ભાવ વધારો કરીને સામાન્ય માણસને આંચકો આપ્યો છે. ચાર વર્ષના સ્થિર ભાવ પછી, કંપનીઓએ ૧૫ મેના રોજ અચાનક ઇંધણના ભાવમાં વધારો કર્યો. આ પછી શરૂ થયેલો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે.
તાજેતરના ભાવવધારા બાદ, જયપુરમાં હવે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ. ૧૦૯.૮૪ થી વધીને રૂ. ૧૧૨.૬૬ થઈ ગઈ છે, જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૦૫ થી વધીને રૂ. ૯૭.૭૮ પર પહોંચી ગયા છે.
રાજસ્થાનના અન્ય મુખ્ય શહેરોમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ લીટર રૂ. ૨.૮૨ સુધીનો વધારો ઝીંકાયો છે.
કોટામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૯.૩૮ થી વધીને રૂ. ૧૧૨.૨૧ થયો છે, જ્યારે અજમેરમાં આ ભાવ રૂ. ૧૦૯.૪૮ થી વધીને રૂ. ૧૧૨.૩૧ પ્રતિ લીટર નોંધાયો છે; આ બંને શહેરોમાં પ્રતિ લીટર રૂ. ૨.૮૩ નો વધારો જોવા મળ્યો છે.
યાદીમાં દર્શાવેલા શહેરોમાં સીકરમાં અત્યારે પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે, જ્યાં કિંમત ૨.૮૨ ના વધારા સાથે રૂ. ૧૧૦.૭૭ થી વધીને રૂ. ૧૧૩.૫૯ પ્રતિ લીટર થઈ ગઈ છે.
ઉદયપુરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૧૧૦.૬૬ થી વધીને રૂ. ૧૧૩.૪૯ પર પહોંચી ગયા છે, જે પ્રતિ લીટર રૂ. ૨.૮૩ નો વધારો દર્શાવે છે. આવા ચાર વધારા સાથે, પેટ્રોલ અને ડીઝલ રૂા.૭ પ્રતિ લિટરથી વધુ મોંઘા થઈ ગયા છે.સોમવારના ભાવ વધારા અંગે તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં રૂા.૨.૬૧ અને ડીઝલના ભાવમાં રૂા.૨.૭૧નો વધારો કર્યો છે. આ પછી, રાજધાની દિલ્હીમાં ડીઝલનો ભાવ વધીને રૂા.૯૫.૨૦ પ્રતિ લિટર થયો છે, અને પેટ્રોલનો ભાવ રૂા.૧૦૨.૧૨ થયો છે.
ભારતમાં છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે, તેલ કંપનીઓએ માર્ચ-એપ્રિલ ૨૦૨૨ માં થયેલા ભાવ વધારા જેવો જ ક્રમિક અભિગમ અપનાવ્યો છે, એક પણ તીવ્ર વધારો નહીં. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ચાર વધારાને જોતાં, ૧૫ મેના રોજ રૂા.૩ નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ૧૯ મેના રોજ રૂા.૯૦ પ્રતિ લિટરનો બીજો વધારો કરવામાં આવ્યો હતો.
ત્રીજો મોંઘવારીનો એટેક ૨૩ મેના રોજ થયો હતો, જ્યારે પેટ્રોલના ભાવમાં ૮૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૯૧ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. ચોથો હુમલો ૨૫ મે, સોમવારના રોજ થયો હતો અને બંને ઇંધણના ભાવમાં એક જ ઝટકામાં ૨ રૂપિયા પ્રતિ લિટરથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. તાજેતરના વધારા પછી, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયો છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે ૧૦૨.૧૨ રૂપિયા અને ડીઝલના ભાવ ૯૫.૨૦ રૂપિયા પ્રતિ લિટર છે. વધુમાં, કોલકાતામાં, પેટ્રોલ હવે ૧૧૩.૫૧ રૂપિયા છે, જ્યારે ડીઝલ ૯૯.૮૨ રૂપિયા પ્રતિ લિટર છે. તાજેતરના વધારા પછી, મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૧૧.૨૧ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૭.૮૩ રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં, ૧ લિટર પેટ્રોલનો ભાવ ૧૦૭.૭૭ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૯.૫૫ રૂપિયા પર પહોંચી ગયો છે.
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ ટોચ પર હોવાને કારણે, તેલ કંપનીઓએ માર્ચ અને એપ્રિલ ૨૦૨૨ વચ્ચે સતત ૧૩ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. આમાંથી દસ વધારો ૮૦ પૈસાનો હતો.
તે સમયે, ઇન્ડિયન ઓઇલે ૧૫ દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો વધારો કર્યો હતો. ફરી આવું વલણ જોવા મળશે કે કેમ તે અંગે, અધિકારીએ કહ્યું કે ૨૦૨૨ના ભાવ વધારા સાથે તેમની કોઈ સરખામણી નથી. ૧૫ મે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આશરે ૩ રૂપિયાનો વધારો થયો.
૧૯ મે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૯૦ પૈસાનો વધારો થયો. ૨૩ મે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૮૭ પૈસાનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૯૧ પૈસાનો વધારો થયો. ૨૫ મે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૬૧ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૭૧નો વધારો થયો.
