Western Times News

Gujarati News

મહિલાએ ત્રણ સંતાનોને ઝેર પીવડાવી પોતે પણ પીધું-ત્રણેય બાળકોનાં મોતઃ માતા ગંભીર

AI Image

પતિ થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા-કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

(એજન્સી)વલસાડ, ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં આઘાતજનક ઘટના બની છે. એક જ પરિવારના જુડવા બાળકો અને એક બાળકી મળીને કુલ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે.

તો તેમની માતાએ પણ શંકાસ્પદ પ્રવાહી પી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ માતા સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, માતાએ જ બાળકોને ભોજનમાં કાંઈક નાંખીને મારી નાંખ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ મંગળવારે (૨૬મી મે) રાતે ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત થયા છે. જેમાં ૯ મહિનાના જુડવા દીકરા આર્યન અને વિહાન તેમજ ત્રણ વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ચર્ચા થઈ રહી છે કે, માતા નિશાબેન સંજયભાઈ હળપતિએ (ઉંમર આશરે ૨૨ વર્ષ) તેના જ ત્રણેય સંતાનોને કોઈ ઝેરી પદાર્થ ખવડાવી દીધો હતો.

જે બાદ પોતે પણ શંકાસ્પદ પ્રવાહી ગટગટાવી લીધું હતું. માતાની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  ગામ લોકોના જણાવ્યા પ્રમાણે, પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ (ઉંમર આશરે ૨૫ વર્ષ) વહાણમાં નોકરી કરે છે.

સંજયભાઈ થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા. સાંજે કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદના આઘાતમાં અને ગુસ્સામાં આવીને માતાએ રાત્રિના સમયે આ લોહિયાળ પગલું ભર્યું હોવાનું સગા-સંબંધીઓ જણાવી રહ્યા છે.

સાસુએ આક્ષેપ લગાવ્યો છે કે, એ મારા છોકરાની વહુ તેની મમ્મીના ઘરે જ રહે છે. એને કોઈ સાથે અફેર ચાલતું હતું એવી મારા દીકરાને ખબર પડી એટલે મારા દીકરાએ તેને કહ્યુ હતુ. મારા છોકરાએ તેને કહ્યુ હતુ કે, તે આ બાળકોને અહીં મૂકી તેના મમ્મીના ઘરે જતી રહે.

તો રીસમાં આવીને મારા દીકરાની વહુએ તેના ત્રણેય છોકરાઓને શું ખવડાવી દીધું કંઈ ખબર ન પડી. એ તો અમે સવારે, જાગ્યા ત્યારે ખબર પડી, રાતના તો અમને શું ખબર પડે? બાર વાગ્યા લગીન તો અમે ઓસરીમાં હતા પછી અમે અને એ લોકો સુઈ ગયા. સવારે આ છોકરાઓ ઉઠ્યા જ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.