ગુજરાત એસ.ટી. નિગમના પડતર પ્રશ્નો અંગે વાહનવ્યવહાર મંત્રી સાથે BMS ના પદાધિકારીઓની બેઠક યોજાઈ
પ્રતિકાત્મક
પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે- ખાનગી એજન્સીઓ પાસેથી લીધેલી વોલ્વો/એસી બસોને કિલોમીટર દીઠ કરોડો રૂપિયા ચૂકવવાના કારણે નિગમને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ગાંધીનગર: ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ (B.M.S.) દ્વારા એસ.ટી. નિગમના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ અંગે આપવામાં આવેલા આંદોલનના સંદર્ભમાં, તારીખ ૦૨-૦૬-૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી માનનીય પ્રવિણભાઈ માળી સાહેબના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ભારતીય મઝદૂર સંઘ (BMS) તરફથી અખિલ ભારતીય પરિવહન પ્રભારી વી.આર.વાછાણી, ભારતીય પરિવહન મઝદૂર મહાસંઘના અ.ભા. અધ્યક્ષ કનકસિંહ જી. ગોહિલ, ભા.મ.સંઘ (ગુજરાત પ્રદેશ)ના પ્રદેશ અધ્યક્ષ જે.ડી.મજમુદાર, પ્રદેશ મહામંત્રી ગીરીશભાઈ પટેલ તેમજ ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘના પ્રદેશ પ્રમુખ વંદિપસિંહ મહિડા, કાર્યકારી અધ્યક્ષ જગદીશભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ બી.પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓ
બેઠક દરમિયાન એસ.ટી. નિગમ અને કર્મચારીઓના હિતને લગતા નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી:
કાયમી ભરતીની માંગ: નિગમમાં ખાનગી એજન્સીઓ મારફતે આઉટસોર્સિંગ કે કોન્ટ્રેક્ટથી ૨૦૦૦ ડ્રાયવર અને ૨૦૦૦ કંડક્ટર લેવાની ચાલી રહેલી પ્રક્રિયા તાત્કાલિક બંધ કરી, તેના સ્થાને કાયમી ભરતી યોજીને રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને રોજગારી આપવી.
કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી: વોચમેન અને સફાઈ કર્મચારીઓને ખાનગી એજન્સીઓ પાસેથી આઉટસોર્સિંગથી લઈને તેઓનું શોષણ કરવામાં આવે છે, જે બંધ કરી કાયમી કર્મચારીઓની ભરતી કરવી.
ખાનગી વોલ્વો બસો બંધ કરવી: ખાનગી એજન્સીઓ પાસેથી લીધેલી વોલ્વો/એસી બસોને કિલોમીટર દીઠ કરોડો રૂપિયા ચૂકવવાના કારણે નિગમને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ પોલિસી બંધ કરી નિગમે પોતાની જ વોલ્વો/એસી બસો ખરીદીને સંચાલનમાં મૂકવી જોઈએ.
કોર્ટના હુકમની અમલવારી: વર્ગ-૧ના અધિકારીઓમાં સીનિયોરિટીના વિવાદ અંગે નામદાર હાઈકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે, તેની ત્વરિત અમલવારી કરવી.
પગારધોરણ અને ભથ્થાં: નિગમના કર્મચારીઓને ૧૦-૨૦-૩૦ મુજબ ઉચ્ચતમ પગારધોરણનો લાભ આપવો, તેમજ વિવિધ ભથ્થાના ચૂકવણા અંગે પાર્ટ-૨ના મુદ્દાની ચર્ચા થઈ ગઈ હોવા છતાં તેની અમલવારી બાકી છે, જેનો ત્વરિત અમલ કરી કર્મચારીઓને લાભ આપવો.
મોંઘવારી ભથ્થું: જુલાઈ-૨૦Read More અને જાન્યુઆરી-૨૦૨૬ની ચડત મોંઘવારી એરિયર્સ સાથે ચૂકવી આપવી.
GPS ખર્ચ પર પુનઃવિચાર: જીપીએસ (GPS) સિસ્ટમ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ તેનો પ્રજા કે નિગમને કોઈ ખાસ ફાયદો મળતો નથી. આથી, આ ખર્ચમાં ઘટાડો કરવા પુનઃવિચાર કરવો.
આંદોલન અંગે મહાસંઘનો નિર્ણય:
બેઠક દરમિયાન વાહનવ્યવહાર મંત્રીશ્રીએ ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ આપીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી છે. જોકે, ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ (B.M.S.)ના પ્રદેશ પ્રમુખ વંદિપસિંહ જે. મહિડા અને પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ બી. પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી આ પડતર પ્રશ્નોનું સત્તાવાર નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મહાસંઘનું આંદોલન યથાવત રહેશે.
આ આંદોલનના ભાગરૂપે તારીખ ૦૩-૦૬-૨૦૨૬ના રોજ રાજ્ય સરકાર તેમજ નિગમના એમ.ડી. (મેનેજિંગ ડિરેક્ટર) શ્રીને પડતર માંગણીઓનું એક વિગતવાર આવેદનપત્ર પાઠવીને આંદોલનના મંડાણ કરવામાં આવશે.
