પ્રસિદ્ધ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું
AI Image
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાંથી ફરી એકવાર છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા મહાઠગ અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
વૈભવી જીવન જીવવાના મોહમાં આ દંપતીએ અત્યાર સુધીમાં ૧૫ જેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. અનિલ અગાઉ એક સામાન્ય ટ્રક ડ્રાઇવર તરીકે અને પથ્થરની ખાણમાં સામાન્ય નોકરી કરતો હતો.
શોર્ટકટથી અમીર બનવાની લાલસામાં તે ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. વર્ષ ૨૦૧૨માં તેણે સુરતના રાંદેર વિસ્તારમાં પોતાની પહેલી પત્નીની હત્યા કરી દીધી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ, વર્ષ ૨૦૧૯થી તેણે બીજી પત્ની વિમ્મી સાથે મળીને લોકોને આર્થિક ચૂનો લગાવવાનું સંગઠિત નેટવર્ક શરૂ કર્યું હતું.
આ ઠગ દંપતી ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેલિબ્રિટીઝ સાથે પડાવેલા ફોટા લોકોને બતાવીને પોતાની ભારે વગ હોવાનો ડોળ કરતું હતું. લોકો પણ તેમની વાતોમાં આવીને સરળતાથી વિશ્વાસ કરી લેતા હતા.
તાજેતરમાં જ તેમણે એક વ્યક્તિને શિકાર બનાવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિના કેનેડામાં ફસાયેલા ૨૪ કરોડ રૂપિયા પાછા કઢાવી આપવાની મોટી લાલચ આપીને આ દંપતીએ તેમની પાસેથી ૨ કરોડ ૨૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આવી જ રીતે અલગ-અલગ બહાના હેઠળ તેમણે કુલ ૧૫ લોકો સાથે ૨૦ કરોડ રૂપિયાથી વધુનું ફ્રોડ આચર્યું હોવાની પ્રબળ આશંકા છે.
