Western Times News

Gujarati News

રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, યુદ્ધની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર મોટો વધારો થયો છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે વપરાતો મુખ્ય કાચો માલ એટલે કે પેપર વિદેશથી આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રો-મટિરિયલના ભાવમાં મોટો ઉછાળો આવવાને કારણે તેમજ ઈંધણ મોંઘું થતાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો છે.

પુસ્તકોના છાપકામની કિંમતમાં આટલો મોટો વધારો થયો હોવા છતાં, ગુજરાત સરકારે આર્થિક બોજ પોતે વહેંચી લીધો છે અને તેનો ભાર વાલીઓ પર ન નાખવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.

પાઠ્યપુસ્તક બોર્ડના મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે, વિદેશથી આયાત થતા કાગળ અને ઈંધણના ભાવ વધવા છતાં, વાલીઓ પર આર્થિક બોજ ન પડે તે હેતુસર ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકોમાં ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

બોર્ડના કાર્યવાહક ચેરમેન મનુભાઈ પાવરાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વહેલી તકે પુસ્તકો મળી રહે તે માટે બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જો કે, વર્તમાન વૈશ્વિક સ્થિતિના કારણે કદાચ વિતરણમાં થોડો વિલંબ થવાની શક્્યતા નકારી શકાય નહીં, પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઇન દરેક પુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે, જ્યાંથી વાલીઓ અને વિદ્યાર્થીઓ તેને સરળતાથી જોઈ શકશે.

એક તરફ સરકારી પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ બજારમાં અન્ય સ્ટેશનરી અને ખાનગી પુસ્તકો ખરીદવી વાલીઓ માટે ખિસ્સું હળવું કરનારી સાબિત થઈ રહી છે.

કાગળના ભાવમાં પ્રત્યેક કિલોએ રૂ. ૮ થી ૧૦ નો વધારો થતાં, જે સામાન્ય નોટબુક પહેલાં રૂ. ૩૦ થી ૪૦ માં મળતી હતી, તેના ભાવ આજે વધીને રૂ. ૫૫ થી ૬૦ થઈ ગયા છે. ખાનગી પ્રકાશનો દ્વારા બહાર પાડવામાં આવતી ગાઈડ અને રેફરન્સ બુક્સના ભાવમાં સીધો ૨૦% થી ૨૫% સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.