Western Times News

Gujarati News

પાલડી ખાતે ‘ગુજરાત રિસર્ચ સેન્ટર લાયબ્રેરી’નું ભવ્ય ઉદ્ઘાટન

સત્યનારાયણ ભગવાનની કથા અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ: શહેરમાં જ્ઞાન અને સંશોધનના એક નવા કેન્દ્રનો પ્રારંભ થયો છે. પાલડી વિસ્તારમાં શુક્રવાર, ૫ જૂન ૨૦૨૬ના રોજ ‘ગુજરાત રિસર્ચ સેન્ટર લાયબ્રેરી’ના ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લાઇબ્રેરીના શુભારંભ નિમિત્તે સંસ્થા પરિસરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી શ્રી શૈલેષભાઈએ ખૂબ જ સુંદર અને રસપ્રદ શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું, ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ આરતીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “જ્ઞાનના આ નવા કેન્દ્રનો સદવિચાર પરિવાર સાથે રહીને ખૂબ જ સરસ વિકાસ થશે. આ અદ્યતન લાઇબ્રેરીનો આગામી સમયમાં સૌ કોઈ ઉત્સાહપૂર્વક લાભ લઈ શકશે.” જ્યારે અન્ય અગ્રણી શ્રી સિદ્ધાર્થભાઈએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સંશોધન કેન્દ્ર અને લાઇબ્રેરીથી સૌને ગૌરવ અને આગળ વધવાની પ્રેરણા મળશે.

આ ઉદ્ઘાટન મહોત્સવમાં ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ ઉપરાંત ડૉ. નીતિનભાઈ શાહ, શ્રી સિદ્ધાર્થ મણકીવાળા, શ્રી રાજેન્દ્ર પટેલ, શ્રીમતી ચેતનાબહેન પટેલ, શ્રીમતી પૂર્ણિમાબેન શાસ્ત્રી, શ્રી ચંદ્રકાન્તભાઈ, શ્રી રણજીતસિંહ જાડેજા, શ્રીમતી નયનાબેન ભરાડીયા અને શ્રી ચંદ્રકાન્તભાઈ ટેલર સહિતના ગણમાન્ય નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં વિસ્તારના સેંકડો લોકોએ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.