Western Times News

Gujarati News

પેટલાદનો કુખ્યાત એજન્ટે 20 ભારતીયોને નોકરીની લાલચ આપી રશિયામાં બંધક બનાવ્યા હતા

રશિયામાં ૨૦ ભારતીયોને બંધક બનાવનાર એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ

આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એજન્ટ રિમ્પલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો 

આણંદ, આણંદ જિલ્લાના પેટલાદમાં વિદેશમાં ઊંચા પગારની નોકરી અપાવવાના બહાને આચરવામાં આવેલા એક મસમોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે.

પેટલાદના સુંદરા ગામના કુખ્યાત એજન્ટ રિમ્પલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લોકોને ટેલરિંગની નોકરી અને માસિક ૧.૩૦ લાખના આકર્ષક પગારની લાલચ આપવામાં આવી હતી. આ જાળમાં ફસાવીને એજન્ટ દ્વારા મહિલાઓ સહિત ૨૦ જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોને રશિયા મોકલી દેવાયા હતા, જ્યાં તેઓ ગંભીર મુશ્કેલીમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.

ભોગ બનનારાઓના પરિવારોનો આક્ષેપ છે કે રશિયા પહોંચ્યા બાદ આ તમામ ભારતીયોને ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યા છે અને તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રશિયામાં બંધક બનેલી લાચાર મહિલાઓનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

વીડિયોમાં મહિલાઓ પોતાની આપવીતી સંભળાવી ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહી છે. એટલું જ નહીં, રશિયાથી પરત આવવા માટે એજન્ટ અને તેના સાગરિતો દ્વારા વ્યક્તિ દીઠ ૫૦૦ યુએસ ડોલરની ખંડણી જેવી રકમ માંગવામાં આવી રહી છે.

આ છેતરપિંડીના ખેલમાં એજન્ટે ભોગ બનનાર પરિવારો પાસેથી પ્રોસેસિંગ ફી અને અન્ય બહાને કુલ ?૨૧ લાખ જેટલી માતબર રકમ પણ પડાવી લીધી હતી. આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એજન્ટ રિમ્પલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ તાત્કાલિક એક્શન મોડમાં આવીને એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય તત્વો અને એજન્ટોના નેટવર્કને તોડી પાડવા માટે આગળની સઘન પૂછપરછ હાથ ધરી રહી છે. વિદેશ નોકરીનું મોટું કૌંભાડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.