Western Times News

Gujarati News

૮૦ લાખનું ફ્રોડ આચરનારે પીડિતના નામે ૫૦ લાખનું સોનું ખરીદી લીધું!

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

બેંગ્લોર સાયબર ક્રાઇમે બેંક ખાતામાં રહેલી ૫૦ લાખની રકમ લીયન કરતા ભાંડો ફુટ્યોઃ ચોંકાવનારો કિસ્સાનો પર્દાફાશ

અમદાવાદ,સાયબર ક્રાઇમની એક વિચિત્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સીજી રોડ પરની ઝવેરી એન્ડ કંપનીમાંથી એક ગઠિયાએ ફોન કરી ૫૦ લાખનું સોનું ખરીદીને પેમેન્ટ આરટીજીએસ કર્યું હતું. થોડા દિવસ બાદ કંપનીના ખાતામાં આવેલી રકમ બેંગ્લોર સાયબર ક્રાઇમે લીયન કરી હતી. વેપારીએ તપાસ કરાવતા આ રકમના તાર સાયબર ફ્રોડ સાથે જોડાયેલા હોવાનું ખૂલ્યુ હતું. તપાસ દરમિયાન બેંગ્લોરમાં ૮૦ લાખની સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી.

આ ગુનો આચરનારે ૫૦ લાખનું સોનું ખરીદ્યું હતું અને કોર્ટના હુકમથી તે ૫૦ લાખની રકમ લીયન કરીને ભોગ બનનારને પરત આપી હતી. આમ, જ્વેલરી કંપની સાથે ૫૦ લાખની ઠગાઇ થતાં તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોપલમાં રહેતા મુકેશભાઇ કંસારા સીજી રોડ પર ઝવેરી એન્ડ કંપની જ્વેલરી શોરૂમમાં મેનેજર છે. ગત તા.૩ ડિસેમ્બરે તેમને વોટ્‌સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે ૧૦ ગ્રામની ૬૦ લગડીનો ભાવ પૂછ્યો હતો. બાદમાં કંપનીના બેંક એકાઉન્ટની માહિતી મેળવીને પાનકાર્ડ, આધારકાર્ડના ફોટો મોકલ્યા હતા.

જે ડોક્યુમેન્ટની તપાસ ચકાસણી કરતા ફોન કરનારના આધારકાર્ડમાં દેબાસીસ રોય ચૌધરી (રહે. બેંગ્લોર)ની વિગતો હતી જ્યારે અન્ય આધારકાર્ડમાં હરિપ્રસાદ વેંકટેસના નામ સરનામાની વિગતો હતી. બીજા દિવસે આ ગઠિયાએ દેબાસીસ રોયના ખાતામાંથી ૫૦ લાખ જ્વેલરી કંપનીના ખાતામાં આરટીજીએસ કર્યા હતા. જે બાદ સાંજે હરિપ્રસાદ નામનો શખ્સ દેબાસીસનું નામ આપીને શોરૂમ પર આવીને કુલ ૬૨૬ ગ્રામના ૫૨ ગોલ્ડ બિસ્કિટની ડિલિવરી લઇને નીકળી ગયો હતો. તા.૯ ડિસેમ્બરે કંપનીના એકાઉન્ટમાં જમા થયેલી ૫૦ લાખની એન્ટ્રી બેંગ્લોર સાયબર ક્રાઇમે લીયન કરી હતી.

કંપનીએ તપાસ કરતા બેંગ્લોરમાં દેબાસીસ રોય ચૌધરી સાથે સાયબર ફ્રોડ થયું હતું અને મોહીત જૈન નામના વ્યક્તિએ દેબાસીસના એકાઉન્ટમાંથી ૮૦ લાખની રકમ મેળવીને ૫૦ લાખ આ જ્વેલરી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે વ્હાઇટફીલ્ડ સીઇએન ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાથી કોર્ટના હુકમથી તા. ૧૭ ડિસેમ્બરે લીયન કરેલી રકમ દેબાસીસ રોય ચૌધરીના ખાતામાં ટ્રાન્સફર કરી પરત કરી દેવામાં આવી હતી. આમ, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિની વિગતો મેળવી સાયબર ક્રાઇમનો ગુનો આચરનાર વ્યક્તિએ જ ભોગ બનનારના નાણાં મેળવીને સોનું ખરીદીને જ્વેલરી કંપનીને ૫૦ લાખનો ચૂનો લગાવ્યો હતો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.