Western Times News

Gujarati News

‘પહેલાં રવીના હીરોઈન હતી, હવે હીરોઈનની માતા છે’ : અક્ષય

રવીના ટંડન સાથે વર્ષાે પછી કામ કરવા મુદ્દે અક્ષય કુમારનું નિવેદન

એક અભિનેત્રી તરીકે રવિના ટંડનના ગ્રોથના વખાણ કરતા અક્ષય કુમારે મજાકિયા અંદાજમાં એક મોટો ફેરફાર ગણાવ્યો હતો

મુંબઈ,બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર અને મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડનની જોડી એક જમાનામાં સુપરહિટ માનવામાં આવતી હતી. ‘મોહરા’ (૧૯૯૪), ‘ખિલાડીયોં કા ખિલાડી’ (૧૯૯૬) અને ‘પોલીસ ફોર્સ’ (૨૦૦૪) જેવી યાદગાર ફિલ્મો આપ્યા બાદ, આ સુપરસ્ટાર જોડી હવે આગામી મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે રવિના ટંડન સાથે આટલા વર્ષાે પછી કામ કરવાના પોતાના અનુભવને શેર કર્યાે હતો.

રવિના ટંડનની પ્રશંસા કરતા અક્ષય કુમારે તેને અત્યંત ‘પ્રોફેશનલ’ ગણાવી હતી. તેણે જૂના દિવસોનો એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ‘તેનું પ્રોફેશનલિઝમ આજે પણ બિલકુલ બદલાયું નથી, તે પહેલાં જેવી જ સમર્પિત છે. મને યાદ છે કે અમે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને સૂર્યાસ્ત થવામાં માત્ર ૨૫ થી ૩૦ મિનિટનો જ સમય બાકી હતો. અમારો ગ્રીન રૂમ ઘણો દૂર હતો અને રવિનાએ શાટ માટે ઝડપથી કપડાં બદલીને પાછા આવવાનું હતું, જે લગભગ અશક્ય લાગતું હતું. જોકે રવિનાએ જનરેટર વેનની અંદર જઈને ફટાફટ કપડાં બદલી નાખ્યા અને સમયસર શાટ આપવા આવી ગઈ હતી.’એક અભિનેત્રી તરીકે રવિના ટંડનના ગ્રોથના વખાણ કરતા અક્ષય કુમારે મજાકિયા અંદાજમાં એક મોટો ફેરફાર ગણાવ્યો હતો.

તેણે હસતા હસતા કહ્યું, ‘તેનામાં આટલા વર્ષાેમાં ઘણો બદલાવ આવ્યો છે, તે એક શાનદાર એક્ટ્રેસ છે. પરંતુ સૌથી મોટો ફેરફાર એ છે કે, પહેલાં તે ફિલ્મોમાં હીરોઇન બનતી હતી અને હવે તે એક હીરોઇનની માતા છે (અક્ષય કુમારનો ઈશારો રવિનાની દીકરી રાશા થડાની તરફ હતો, જે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે).’કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’ એ સુપરહિટ સીરિઝ ‘વેલકમ’ અને ‘વેલકમ બેક’નો ત્રીજો ભાગ છે.

અહેમદ ખાન અગાઉ ‘બાગી ૨’, ‘બાગી ૩’ અને ‘હીરોપંતી ૨’ જેવી એક્શન ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં અક્ષય અને રવિના ઉપરાંત સુનિલ શેટ્ટી, અર્શદ વારસી, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, જેકી શ્રોફ, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા જેવા કલાકારોની લાંબી ફોજ જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ આગામી ૨૬ જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.