Western Times News

Gujarati News

હવે સાબરમતી નદીમાં નહીં ફેંકાય પૂજાપો! AMC એ શરૂ કર્યો ‘નિર્માલ્ય રથ’, કચરામાંથી બનશે કંચન

  • અમદાવાદના 700થી વધુ મંદિરો માટે AMCનો મોટો પ્લાન: ધાર્મિક કચરાના નિકાલ માટે દોડશે સ્પેશિયલ વાહનો

  • અમદાવાદના 700થી વધુ ધાર્મિક સ્થળો પર “નિર્માલ્ય” (ધાર્મિક કચરો)ના  વૈજ્ઞાનિક નિકાલ માટે  મેગા અભિયાન

અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગ દ્વારા “શ્રદ્ધા કી ડોર, સશક્તિકરણ કી ઓર”ના સૂત્ર સાથે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઐતિહાસિક અને આધુનિકતાના અદભુત સંગમ સમાન આપણું અમદાવાદ શહેર તેની ધાર્મિક વિવિધતા અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં જાણીતું છે.

ભદ્રકાળી માતાજીનું મંદિર હોય, જગન્નાથજી મંદિર, ઇસ્કોન મંદિર, સ્વામિનારાયણ મંદિર, ગુરુદ્વારા કે પછી જામા મસ્જિદ – અમદાવાદમાં 700થી વધુ નાના-મોટા આસ્થાના કેન્દ્રો આવેલા છે.

જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ ધર્મસ્થાનોમાં દૈનિક ધોરણે શ્રદ્ધાળુઓ દ્વારા ભાવપૂર્વક અર્પણ કરવામાં આવતા ફૂલો, હાર, ચાદર, પાન-દુર્વા, અને શ્રીફળ જેવા પવિત્ર ‘નિર્માલ્ય’ ના યોગ્ય અને સન્માનજનક નિકાલની સમસ્યા લાંબા સમયથી હતી. આ ‘નિર્માલ્ય’ ઘણીવાર જાહેર રસ્તાઓ કે જળાશયોમાં ફેંકવામાં આવતું હતું.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે, ‘નિર્માલ્ય રથ’: કલેક્શન માટેની સુદ્રઢ અને સન્માનજનક વ્યવસ્થા શહેરની ધાર્મિક ગરિમા જળવાઈ રહે અને પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી SWM વિભાગ દ્વારા ‘ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સિસ્ટમ’ ની તર્જ પર 26 જેટલા ખાસ અલાયદા વાહનો કાર્યરત કરવામાં આવ્યા છે. આ વાહનો દરરોજ સવારે નિર્ધારિત રૂટ પર ફરીને શહેરના વિવિધ ધાર્મિક સ્થાનોમાંથી શ્રદ્ધાપૂર્વક નિર્માલ્ય એકત્રિત કરે છે.

હાલમાં આ વ્યવસ્થા હેઠળ દૈનિક સરેરાશ 1.8 ટન જેટલો ધાર્મિક કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે. નદીની પવિત્રતા જાળવવા 700 સ્થળોની સાથે-સાથે  સાબરમતી નદીમાં ધાર્મિક કચરો પધરાવવાની જૂની પ્રથાને કારણે નદીમાં થતું પ્રદૂષણ અને જળચર સૃષ્ટિને થતું નુકસાન અટકાવવા AMC દ્વારા આકર્ષક ‘નિર્માલ્ય કળશ’ની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગાંધી બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ સરદાર બ્રિજ, અટલ બ્રિજ સહિત શહેરના તમામ બ્રિજોની બંને બાજુએ (નદીના નાંના બંને કાંઠે), તેમજ અન્ય મહત્વના જાહેર સ્થળોએ આકર્ષક કળશ આકારના ‘નિર્માલ્ય કળશ’ અને મોટી સાઇઝની ડસ્ટબિન મુકવામાં આવી છે. ધાર્મિક સંકુલોમાં પણ ગંદકી ન થાય તે માટે સંચાલકોને ડસ્ટબીન અને કળશનું વિતરણ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાપૂર્વક અર્પણ થયેલા ફૂલો અને અન્ય સામગ્રીનું અપમાન ન થાય અને તેનો શૂન્ય વેસ્ટ (Zero Waste) અભિગમ સાથે પર્યાવરણને અનુકૂળ નિકાલ થાય તે માટે AMC દ્વારા “કચરામાંથી કંચન” નો મંત્ર આધારિત અત્યાધુનિક આયોજન કરવામાં આવ્યું છે. નિર્માલ્યના પ્રોસેસિંગ માટે 1 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા 2 નવા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સ્થાપવાની કામગીરી અત્યારે પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.

આ પ્લાન્ટ્સમાં એકત્ર થયેલા ફૂલો અને જૈવિક કચરામાંથી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રોસેસિંગ કરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખાતર, અગરબત્તી અને હર્બલ રંગો (ગુલાલ) જેવી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવામાં આવશે. આ રીતે ધાર્મિક કચરાનો સર્જનાત્મક અને પર્યાવરણમિત્ર ઉપયોગ શક્ય બનશે અને સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.