Western Times News

Gujarati News

થિરૂપ્પરાકુંદ્રમ પર દીપમ ઉત્સવને અટકાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી

તામિલનાડુ સરકારે હાઈકોર્ટના આદેશને પડકાર્યાે

૬ જાન્યુઆરીના મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી

ચેન્નઈ, તામિલનાડુ સરકારે રાજ્યની થિરૂપ્પરાંકુંદ્રમ ટેકરી પર દીવા પ્રગટાવવાની (દીપમ ઉત્સવને) મંજૂરી આપતા મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. મુખ્યમંત્રી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તામિલનાડુ સરકારે ૧૧ જૂને સર્વાેચ્ચ અદાલતનો સંપર્ક કર્યાે હતો અને રાજ્ય સરકારના વકીલ બી. કરુણાકરણ મારફતે અરજી દાખલ કરી હતી. વકીલે પુષ્ટિ કરી હતી કે ૬ જાન્યુઆરીના મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે.

આ આદેશમાં ૧ ડિસેમ્બર, ૨૦૨૫ના સિંગલ જજના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો, જેમાં તહેવારના દિવસે વિધિપૂર્વક દીવા પ્રગટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.૬ જાન્યુઆરીએ હાઈકોર્ટે સિંગલ જજના આદેશને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આ ધાર્મિક પરંપરાને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાની આશંકા માત્ર એક “કાલ્પનિક ભય” છે, જે સુવિધા માટે ઉભો કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં પથ્થરનો સ્તંભ (દીપથૂન) આવેલો છે તે સ્થળ શ્રી સુબ્રમણ્યમ સ્વામી ટેમ્પલની માલિકીનું છે અને હાલની સ્થિતિએ તામિલનાડુ વકફ બોર્ડને આ મામલે કોઈ કાનૂની હક નથી.

હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, “રાજ્ય જેવી શક્તિશાળી સંસ્થા દ્વારા એવો ભય વ્યક્ત કરવો કે દેવસ્થાનમના પ્રતિનિધિઓને વર્ષમાં એક ચોક્કસ દિવસે, દેવસ્થાનમની જમીન હેઠળ આવેલી ટેકરીના શિખર નજીકના પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર શાંતિ ભંગ થશે, તે હાસ્યાસ્પદ અને માનવું મુશ્કેલ છે.” આ કેસ રમા રવિકુમાર અને અન્ય લોકોએ દાખલ કરેલી રિટ અરજીમાંથી ઊભો થયો હતો. અરજીમાં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ઉજવાતા વાર્ષિક કાર્તિકૈ દીપમ ઉત્સવ દરમિયાન થિરૂપ્પરાંકુંદ્રમ ટેકરી પર આવેલા પ્રાચીન પથ્થરના સ્તંભ પર દીપમ ઉત્સવની મંજૂરી માટે દાદ માગવામાં આવી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.