Western Times News

Gujarati News

ડેવલપર્સ માટે રાહતના સમાચાર: 75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો

૧૦ ગુંઠાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા જમીનના ટુકડાનું વેચાણ દંડ વગર નિયમિત થશે

(એજન્સી)ગાંધીનગર, રાજ્યના ખેડૂતો, જમીન માલિકો અને ડેવલપર્સ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ૭૫ વર્ષ જૂના ટુકડા ધારા-૧૯૪૭માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સુધારાને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.

આ મંજૂરી મળતાની સાથે જ રાજ્યભરમાં તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે ૧૦ ગુંઠાથી મોટા જમીનના ટુકડાનું વેચાણ કોઈપણ જાતના દંડ કે પ્રીમિયમ વગર નિયમિત કરી શકાશે.

અગાઉ ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણ માટે પિયત અને બિનપિયત જમીન માટે અલગ-અલગ નિયમો હતા. અગાઉ બિનપિયત વિસ્તારમાં ૮૦.૮૪ ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં ૨૦.૨૪ ગુંઠાથી ઓછી જમીનનું વેચાણ પ્રતિબંધિત હતું. હવે આ કાયદામાં સુધારો કરીને પિયત અને બિનપિયતનો ભેદ નાબૂદ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ સમગ્ર રાજ્યમાં એક સમાન ૧૦ ગુંઠાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

ખેતીની જમીનમાં ૧૦ ગુંઠા કરતાં વધારે ટુકડો પડ્યો હશે તો તેના વેચાણને એક રૂપિયાનો પણ દંડ કે પ્રીમિયમ વસૂલ્યા વગર નિયમિત કરી શકાશે. મહેસૂલ વિભાગે આ અંગેનું ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે અને તમામ કલેક્ટરોને પેનલ્ટી કે પ્રીમિયમ વગર વેચાણ મંજૂરી માટે રાજ્યમાં એકસૂત્રતા જાળવવા આદેશ કર્યો છે.

આ વટહુકમના અમલથી ભૂતકાળમાં થયેલા તમામ ગેરકાયદેસર જમીનના ટુકડાઓને સરકાર કોઈપણ પ્રકારના દંડ કે પ્રીમિયમ વગર નિયમિત કરી શકશે. આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો શહેરો અને તેની આસપાસના શહેરી-અર્ધશહેરી ક્ષેત્રોમાં વિકાસ તેમજ સંપાદનને કારણે ટુકડા થયેલી જમીન ધરાવતા ખેડૂતો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને થશે.

વધુમાં, વારસાઈ-ભાગલા, બિનખેતી-એનએ કે હકપત્રકમાં નોંધને તબક્કે જો ખેતીની જમીન ૧૦ ગુંઠા કે તેથી વધારે ક્ષેત્રફળની હશે તો તેના વેચાણ સહિતની તબદિલીને સરળતાથી મંજૂરી મળી શકશે. સરકાર દ્વારા જમીન સંપાદન કે પછી કુદરતી ભૌગોલિક પરિસ્થિતિ બદલાતાં જો જમીન ૧૦ ગુંઠાથી ઓછી રહેતી હોય તો તેવી વિશિષ્ટ સ્થિતિમાં પણ છૂટછાટ આપવાનું સૂચવાયું છે.

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ, હવે આગામી ચોમાસું સત્રમાં સરકાર વિધાનસભામાં આ કાયદામાં સુધારા વિધેયક રજૂ કરીને ઔપચારિક બહાલી મેળવશે. આ સુધારાથી જમીન સંલગ્ન અનેક કાનૂની અડચણો દૂર થશે. તેના મુખ્ય ફાયદાઓની વાત કરીએ તો જમીનનો ટુકડો જાહેર થવાથી ખેડૂતના ૭/૧૨ના ઉતારામાં ટુકડો અથવા કલમ-૭ મુજબ પ્રતિબંધિત તેવી જે નોંધ પડતી હતી, તે હવે બંધ થશે.

પરિવારમાં વારસાઈ કે જમીનના ભાગલા સરળતાથી થઈ શકશે, જેનાથી પારિવારિક વિખવાદો અને લાંબા ચાલતા મહેસૂલી કેસોમાં મોટો ઘટાડો થશે. અગાઉ ટુકડા જમીનના કિસ્સામાં પાડોશીને પહેલો હક મળતો હતો અને બાજુના જ ખેતરમાં જમીન ભેળવવાનો પાડોશીનો અધિકાર હતો, જે હવે રદ્દ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.