સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્યતાને નવા અભ્યાસે ખોટી પાડી
દરિયાકાંઠાનાં સિંહોનો મુખ્ય શિકાર નિલગાય અને જંગલી ભૂંડ
સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે 100 જેટલા સિંહોનો વસવાટ. ગીર જંગલ બહાર દરિયાકાંઠે વસતા સિંહો ખેતીનાં પાકને નુકશાન કરતાં નીલગાયો અને જંગલી ભૂંડોનો શિકાર કરી ખેડૂતોનાં ખરા મિત્રો બન્યાં.
આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ ‘કન્ઝર્વેશન‘ (Conservation)માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કૂલ શિકારમાંથી લગભગ ૭૦ ટકા હિસ્સો વન્ય જીવોના શિકારનો છે. એટલે કે આ સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને જંગલી ભૂંડ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકારે વિશ્વમાં એશિયાટિક સિંહોના એકમાત્ર આખરી આશ્રયસ્થાન એવા ગીરમાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે ‘પ્રોજેક્ટ લાયન‘ (Project Lion) શરૂ કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ માટે સતત સમર્પિત પ્રયાસો કર્યા છે અને તેના હકારાત્મક પરિણામો મળી રહ્યાં છે.
“આ સંશોધન અભ્યાસ દર્શાવે છે કે ગીર જંગલની બહાર રહેતા સિંહો નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંનાં ખેડૂતોને ફાયદો કરાવે છે. નિલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીનાં પાકનું નુકશાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે,’’ શ્રી અર્જુન મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત.
જો તમે કોઈને પણ પૂછો કે સિંહો ગીર વન્યજીવ અભયારણ્યની બહાર નીકળીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કેમ મુક્તપણે ફરી રહ્યા છે, તો સૌથી સામાન્ય જવાબ એ જ મળશે કે, જંગલની બહાર પાલતુ પશુઓ પુષ્કળ હોય છે એટલા માટે સિંહો ત્યાં જાય છે અને આ પાલતુ પશુઓનો શિકાર કરી જીવે છે. જો કે, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ માન્યતા ખોટી ઠરી છે.
આ અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ગુજરાતનાં દરિયાકાંઠે રહેતા એશિયાટિક સિંહો પાલતુ પશુઓ કરતાં વન્ય જીવોના શિકાર પર વધુ નિર્ભર છે. આ તારણો એ વ્યાપક માન્યતાને ખોટી સાબિત કરે છે કે, ગીર જંગલોની બહાર રહેતા સિંહો તેમના અસ્તિત્વ માટે મુખ્યત્વે પાલતુ પશુઓ પર આધાર રાખે છે.
વર્ષ 2025માં યોજાયેલી ૧૬મી સિંહ વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં અત્યારે 891 એશિયાટિક સિંહો છે. આ સંખ્યા ગુજરાતની વન્યજીવ સંરક્ષણની નીતિને સફળ સાબિત કરે છે.
આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશન માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા કરવામાં આવતા કુલ શિકાર (બાયોમાસ)માંથી લગભગ 70 ટકા હિસ્સો વન્યજીવોમાંથી આવે છે, જે ગીર સંરક્ષિત વિસ્તારની બહાર પણ સિંહોના વિસ્તરી રહેલા વસવાટની શ્રેષ્ઠ ઇકોલોજીકલ તંદુરસ્તી દર્શાવે છે.
જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને આ અભ્યાસના સહ-લેખક મોહન રામે જણાવ્યું કે, “અમારા અભ્યાસમાં માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા સિંહોના મળનાં 160 નમૂનાઓ (scat samples) નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સિંહોના ખોરાકમાં 64 ટકા હિસ્સો વન્યજીવો જેવા કે નીલગાય, જંગલી ભૂંડોનો હતો, જ્યારે 31 ટકા હિસ્સો પાલતુ પશુઓનો હતો,”
મોહન રામે વધુમાં ઉમેર્યું કે, “તમામ શિકારી પ્રજાતિઓમાં, નીલગાય સિંહોના ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, જે કુલ વપરાશમાં લેવાયેલા બાયોમાસનાં અડધાથી વધુ (૫૧%) હિસ્સો ધરાવે છે. જંગલી ભૂંડ બીજા ક્રમનો સૌથી મહત્વનો વન્ય શિકાર હતો, જ્યારે પાલતુ પશુઓમાં ગાય અને ભેંસ હતા.”
“ડાયેટરી પેટર્ન ઓફ એશિયાટિક લાયન્સ ઇન ધ કોસ્ટલ ઇકોસિસ્ટમ ઓફ સૌરાષ્ટ્ર, ગુજરાત, ઇન્ડિયા” શીર્ષક ધરાવતો આ અભ્યાસ મોહન રામ, આરાધના સાહુ, નિત્યાનંદ શ્રીવાસ્તવ, કૃતજ્ઞા વદર, રોહિત ચૌધરી અને લહર ઝાલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તે કન્ઝર્વેશન જર્નલમાં પ્રકાશિત થયો છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “૭૪મા સ્વતંત્રતા દિવસે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયાટિક સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ અને સુરક્ષા પર કેન્દ્રિત એક મહત્વકાંક્ષી પહેલ ‘પ્રોજેક્ટ લાયન‘ શરૂ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભુપ્રેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યમાં વન્યજીવોના સંરક્ષણ માટે સતત સમર્પિત પ્રયાસો કર્યા છે.”
શ્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું કે, “આ સંશોધન અભ્યાસ સ્પષ્ટ કરે છે કે, ગીરના જંગલોની બહાર સિંહોની વસ્તી નીલગાય અને જંગલી ભૂંડ જેવા પાકને નુકસાન કરતા પ્રાણીઓનો શિકાર કરીને ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. આ પ્રાણીઓની વસ્તી પર કુદરતી નિયંત્રણ રાખીને સિંહો પાકના નુકસાનને ઘટાડે છે.”
“મહત્વની વાત એ છે કે, માનવ વસ્તીની વચ્ચે રહેતા હોવા છતાં સિંહો મુખ્યત્વે કુદરતી શિકાર પર નિર્ભર રહ્યાં છે. ગુજરાતમાં સિંહોનાં સંરક્ષણનું આ સફળ મોડેલ વિશ્વભરનાં વન્યજીવોનાં સંરક્ષણ માટે દાખલારૂપ ગણાય છે,’’ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી પ્રવિણ માળીએ જણાવ્યું.
ધારણા કરતા તારણો બીજા આવ્યાં
આ સંશોધનનાં તારણો ખૂબ મહત્વના છે. કારણ કે, તે સંશોધકોની મૂળ ધારણા (Hypothesis) કરતાં તદ્દન વિપરીત છે. સંશોધકો પહેલા એવું માનતા હતા કે, માનવ વસવાટ ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વન્ય જીવોની અછતને કારણે સિંહો પાલતુ પશુઓ પર વધુ નિર્ભર રહેશે.
પરંતુ અભ્યાસના તારણો દર્શાવે છે કે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડની પુષ્કળ વસ્તી સિંહોને મોટે ભાગે કુદરતી શિકાર પર જ નભવામાં મદદ કરી રહી છે. પરિણામે, પાલતુ પશુઓ પરનું દબાણ ઘટી શકે છે અને માનવ-સિંહ વચ્ચેનું સંઘર્ષ ઘટાડી શકાય છે.
સંશોધકોએ નોંધ્યું છે કે, દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ હવે એશિયાટિક સિંહોની ત્રણ મહત્વની સેટેલાઇટ વસ્તી (સેટેલાઇટ પોપ્યુલેશન) ને આશરો આપે છે — દક્ષિણ-પશ્ચિમ દરિયાઇ પટ્ટી, દક્ષિણ-પૂર્વ દરિયાઇ પટ્ટી અને ભાવનગરની દરિયાઇ પટ્ટી. આ ત્રણેય વિસ્તારો સિંહોના વિસ્તરી રહેલા સામ્રાજ્યનો એક મહત્વનો ભાગ બન્યો છે.
આ અભ્યાસ મુજબ, સૌરાષ્ટ્રનાં દરિયાકંઠે ૧૦૦થી વધુ સિંહો વસે છે અને પોષે છે. આ સ્થિતિ ગુજરાતના લાંબા ગાળાના સંરક્ષણ પ્રયાસોની સફળતાનો પુરાવો છે.
રખડતા અને ત્યજી દેવાયેલા પશુઓ સિંહોનો સરળ શિકાર
આ અભ્યાસ મુજબ, દરિયાકાંઠાના સિંહોનો ખોરાક મોટે ભાગે નીલગાય અને જંગલી ભૂંડ પર કેન્દ્રિત છે. આ બાબત દર્શાવે છે કે શિકારની વિપુલતા અને વસવાટની ગુણવત્તા સિંહોની ખોરાક લેવાની આદતો પર મજબૂત અસર કરે છે. સંશોધકોએ અવલોકન કર્યું કે, ગાય અને ભેંસ સિંહોના ખોરાકનો ભાગ જરૂર છે, પરંતુ તેમાંથી મોટાભાગના પશુઓ રખડતા, ત્યજી દેવાયેલા (પાંકડા ઢોર) કે જંગલી બનેલા (feral) હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દૂધ ન આપતા (પાંકડા) પશુઓને છોડી દેવાની પ્રથાને કારણે આવા પશુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. સિંહો માટે આ પશુઓ સહેલા શિકાર બને છે.
