અફઘાનિસ્તાન પર પાક.ના હુમલાથી ભારત નારાજ
પ્રતિકાત્મક
નવી દિલ્હી, પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા ભયાનક બોમ્બમારાને કારણે ભારત સરકાર ભારે ગુસ્સામાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
પાકિસ્તાની વાયુસેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત આશરે ૬૦ નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેને ભારતે અત્યંત શર્મજનક કૃત્ય ગણાવ્યું છે.
બીજી તરફ, અફઘાનિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આ આખી રાત ચાલેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૩૬ સામાન્ય નાગરિકો માર્યા ગયા છે અને ૧૬૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાના કારણે બંને પાડોશી દેશો વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનની આ કાર્યવાહી અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર સીધો પ્રહાર છે અને તેનું પરિણામ પાકિસ્તાને ભોગવવું પડશે.
ભારતે પ્રાદેશિક સ્થિરતા અંગે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, આ પ્રકારના હુમલાથી સમગ્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે. આ ઘટના પાકિસ્તાનના બિનજવાબદાર અને અવિચારી વલણને છતી કરે છે.
પાકિસ્તાન પોતાના દેશની આંતરિક નિષ્ફળતાઓ અને આર્થિક-રાજકીય સમસ્યાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ સરહદ પાર આવી હિંસાનો આશરો લઈ રહ્યું છે. ભારતે આ દર્દનાક હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું છે, તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.
