ટ્રમ્પને મોટો ઝટકોઃ યૌન શોષણ કેસમાં દોષિત હોવાનો ચુકાદો યથાવત્
નવી દિલ્હી, યૌન શોષણના કેસમાં પહેલાંથી જ દોષિત જાહેર થઈ ચૂકેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી નથી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવાર, ૨૯ જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની એ અપીલને ફગાવી દીધી છે,
જેમાં તેમણે જ્યુરીના જૂના ચુકાદાને પલટવાની માંગ કરી હતી. જ્યુરીએ અગાઉ પોતાના ચુકાદામાં માન્યું હતું કે ટ્રમ્પે પૂર્વ કોલમ લેખિકા ઈ. જીન કેરોલનું યૌન શોષણ કર્યું હતું. આ બદલ ટ્રમ્પે પીડિતાને ૫૦ લાખ ડોલર (આશરે ૪૩ કરોડ રૂપિયા)નું આર્થિક વળતર ચૂકવવું પડશે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની આ અરજી પર સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો છે. કોર્ટે અન્ય કેટલાક કેસની સાથે જ આ ચુકાદો જાહેર કર્યો હતો અને તેની પાછળ કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ૯ મે ૨૦૨૩ના રોજ મેનહટનની એક ફેડરલ સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે વર્ષ ૧૯૯૬માં ન્યૂયોર્કના એક સ્ટોરમાં ઈ. જીન કેરોલનું યૌન શોષણ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના આ આકરા નિર્ણય બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ‘એ જાણીને આશ્ચર્ય થાય છે કે સુપ્રીમ કોર્ટે મારા વિરુદ્ધ ચલાવવામાં આવેલા આ ફેક કેસની સમીક્ષા કરવાનો ઇનકાર કરી દીધો.
આ કેસ એક એવી મહિલાએ દાખલ કર્યો છે જેને હું ક્્યારેય મળ્યો જ નથી. દાયકાઓ જૂનો એક ફોટોગ્રાફ, જેમાં અમે તેના પતિ સાથે એક લાઈનમાં ઊભેલા દેખાઈએ છીએ, તે આ વાતનો પુરાવો હોઈ શકે નહીં.
