Western Times News

Gujarati News

Instagram Fake Account: ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓ સાવધાન! કોલેજની યુવતીના ફોટાનો દુરુપયોગ

સોશિયલ મીડિયા પર પોતાનું નકલી એકાઉન્ટ જોઈ કોલેજિયન યુવતી ચોંકી ઉઠી

  • અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર પોતાની જ ફેક પ્રોફાઇલ જોઈ ચોંકી ઉઠી કોલેજિયન યુવતી, પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો

(એજન્સી)અમદાવાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા ચોરી કરીને ફેક પ્રોફાઇલ બનાવતી વિકૃત ટોળકીઓ વધુ એક વખત સક્રિય થઈ છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને કાલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીના ફોટાનો દુરુપયોગ કરીને કોઈ અજાણ્યા શખસે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી દીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે યુવતીએ સાયબર હેલ્પલાઈન અને બાદમાં નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટની યુવતી બેચલર આૅફ આટ્‌ર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને નવરંગપુરા વિસ્તારમાં પેઇંગ ગેસ્ટમાં રહે છે. યુવતી ઇન્સ્ટાગ્રામ પર બે એકાઉન્ટ ધરાવે છે, જેમાં તેનું એક એકાઉન્ટ અગાઉ પબ્લિક હતું પરંતુ બાદમાં તેણે તે પ્રાઇવેટ કરી દીધું હતું.

ગયા મહિને ૨૭ મેના રોજ બપોરે આશરે ૪ વાગ્યાની આસપાસ યુવતી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકેલી સ્ટોરીના વ્યુઝ અને લાઈક્સ ચેક કરી રહી હતી. આ દરમિયાન તેનું ધ્યાન એક એવા એકાઉન્ટ પર ગયું, જેના પ્રોફાઈલ પિક્ચરમાં તેનો જ ફોટો લાગેલો હતો.

આ પ્રોફાઇલ ઓપન કરીને જોતાં કોઈ અજ્ઞાત શખ્સે યુવતીની મંજૂરી વગર તેના અંગત ફોટા ડાઉનલોડ કરીને પ્રોફાઈલ પિક્ચર તેમજ ઇન્સ્ટા સ્ટોરીમાં અપલોડ કરી દીધા હતા. આ ફેક એકાઉન્ટ અલગ જ યુઝરનેમથી ચલાવવામાં આવી રહ્યું હતું.

પોતાના ફોટાનો દુરુપયોગ થતો હોવાનું જાણતા યુવતીએ તાત્કાલિક તે એકાઉન્ટ હોલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના મુખ્ય એકાઉન્ટમાંથી મેસેજ જઈ શકતો ન હતો. આથી તેણે પોતાના બીજા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તે ફેક આઈડી પર મેસેજ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે, ‘મારા ફોટા તાત્કાલિક હટાવી દો, નહિતર હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ.’

આ કડક ચેતવણી આપ્યા બાદ પણ આરોપીએ પ્રોફાઇલમાંથી ફોટા હટાવ્યા ન હતા. આખરે કંટાળીને યુવતીએ આ સમગ્ર મામલે નેશનલ સાયબર ક્રાઈમ રિર્પોટિંગ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.