Western Times News

Gujarati News

કંપનીના માલિકનો વિશ્વાસ જીતી પૂર્વ મહિલા HRએ ખેલ્યો ૧૩.૫૩ લાખનો ખેલ, જાણીને ચોંકી જશો

AI Image

  • અમદાવાદ: વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં પૂર્વ મહિલા HRનો મોટો ખેલ, ૧૦ નકલી કર્મચારી ઊભા કરી આચરી લાખોની ઠગાઈ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ફૂડ કંપનીમાં પૂર્વ હ્યુમન રિસોર્સ મેનેજર મહિલા અધિકારી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

કંપનીમાં ક્યારેય પગ પણ ન મૂક્યો હોય તેવા ૧૦ જેટલા બોગસ કર્મચારીઓ ઊભા કરી, તેમના બેંક ખાતામાં કંપનીના નાણાં ટ્રાન્સફર કરી પૂર્વ એચઆરે ૧૩.૫૩ રૂપિયાની ઉચાપત કરી છે. આ મામલે કંપનીના માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, વસ્ત્રાપુરમાં એ.બી. ફૂડ નામની કંપની ચલાવતા અવધનરેશ શર્માએ પોતાની પૂર્વ એચઆર જેમી લાડાણી નામની યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. જેમી કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતી હોવાથી નવી ભરતી અને પગારના તમામ હિસાબો તેના હાથ નીચે હતા.

આ સત્તાનો દુરુપયોગ કરીને તેણે ગત સપ્ટેમ્બર ૨૦૨૫થી મે ૨૦૨૬ દરમિયાન એક મોટું આર્થિક કૌભાંડ આચર્યું હતું. જેમીએ કંપનીમાં ક્યારેય નોકરી જ ન કરતા હોય તેવા પોતાના જ ૧૦ જેટલા અજાણ્યા ઓળખીતા વ્યક્તિઓના ડોક્યુમેન્ટ્‌સના આધારે બોગસ પ્રોફાઇલ તૈયાર કરી દીધી હતી.

આરોપી એચઆર જેમીએ એટલી ચાલાકીથી કામ કર્યું કે દર મહિને સેલરી શીટ બનાવતી વખતે આ ૧૦ નકલી કર્મચારીઓના નામ પણ અંદર ઉમેરી દેતી હતી. આ નાણાં બેંક મારફતે ટ્રાન્સફર કરવા માટે તેણે કંપનીના માલિક અવધનરેશભાઈનો વિશ્વાસ જીતીને તેમની સહીઓ પણ મેળવી લીધી હતી.

આ બોગસ કર્મચારીઓમાંથી કોઈના ખાતામાં ૧ મહિનાનો તો કોઈના ખાતામાં સળંગ ૪-૪ મહિનાનો પગાર જમા કરાવીને કંપનીના કુલ ?૧૩.૫૩ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ ઓફિસમાં અણછાજતા વર્તનના કારણે ગત ૨૫મી મેના રોજ કંપનીએ જેમીને નોકરીમાંથી મુક્ત કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.