Western Times News

Gujarati News

બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓ, 100 ટકા પરિણામ મેળવનાર 156 શાળાઓ અને 73 શિક્ષકોનું સન્માન કરાયું

અમદાવાદ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ‘તેજસ્વી તારલાઓ’ સન્માન સમારોહ યોજાયો
રાજ્યના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અમદાવાદ સ્થિત આત્મીય વિદ્યાનિકેતન શાળામાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ‘તેજસ્વી તારલાઓ’ સન્માન સમારોહ, બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરનાર શાળાઓનું સન્માન તેમજ પાંચ વર્ષની સેવા પૂર્ણ કરનાર શિક્ષકોને નિયમિત નિમણૂક સંબંધિત દસ્તાવેજો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપતી સરાહનીય પહેલ છે. આવા સન્માન સમારોહ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓને વધુ ગુણવત્તાસભર કામગીરી માટે પ્રેરણા આપે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં જીવનોપયોગી અને રોજગારલક્ષી કૌશલ્યોનો વિકાસ થાય તે માટે સ્કિલ-બેઝ્ડ શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને ટાંકતાં તેમણે જણાવ્યું હતું કે સાચું શિક્ષણ વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરે, સારા સંસ્કારોનું સિંચન કરે અને જવાબદાર નાગરિક બનાવે છે.
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ જેવા અભિયાનોએ રાજ્યમાં શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું છે. તેના પરિણામે કન્યા શિક્ષણનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યમાં કન્યા કેળવણીનો દર લગભગ 100 ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે વર્ષ 2025-26 દરમિયાન શાળાઓમાં ડ્રોપઆઉટ દર ઘટીને માત્ર 2.37 ટકા રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલથી વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન, સર્જનાત્મકતા અને કૌશલ્ય આધારિત શિક્ષણનો વિકાસ થઈ રહ્યો છે. સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજના સંયુક્ત પ્રયાસોથી વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
શ્રીમતી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે કોઈપણ પરીક્ષા જીવનનું અંતિમ લક્ષ્ય નથી. વિદ્યાર્થીઓએ પોતાની રૂચિ અને ક્ષમતાને ઓળખીને સતત મહેનત, જ્ઞાન અને કૌશલ્યના આધારે સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવનાર કુલ 156 શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ટોપ-10માં સ્થાન મેળવનાર કુલ 85 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષની સેવા પૂર્ણ કરી નિયમિત પગારમાં સમાવિષ્ટ થયેલા કુલ 73 શિક્ષકોને નિયમિત નિમણૂક સંબંધિત દસ્તાવેજો પણ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, આત્મીય વિદ્યાનિકેતન શાળાના આચાર્યશ્રી, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.