Western Times News

Gujarati News

રામ મંદિર દાન ચોરી કેસઃ ચંપત રાય-અનિલ મિશ્રાના બેંક ખાતાઓની તપાસ કરાશે

(એજન્સી)અયોધ્યા, અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ચઢાવા દાન ચોરી કેસની તપાસમાં બેંક ઓફ બરોડાની અયોધ્યા બ્રાન્ચે પોલીસ નોટિસ બાદ પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી છે. બેંકનું કહેવું છે કે, તેની ભૂમિકા માત્ર ઓનલાઇન QR-આધારિત ડોનેશન (દાન) પૂરતી જ મર્યાદિત છે. કેશ હેન્ડલિંગ કે ફિઝિકલ ચઢાવાની ગણતરીમાં તેનો કોઈ હાથ નથી.

બીજી તરફ, ચંપત રાય અને અનિલ મિશ્રાના બેંક ખાતાઓ પણ હવે તપાસના દાયરામાં આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કુલ ડોનેશનનો અંદાજે ૧૦ થી ૧૫ ટકા હિસ્સો બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકમાં જમા કરવામાં આવે છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ માટે મુખ્ય બેંકિંગ ચેનલ તરીકે કામ કરી રહી છે.

તપાસ દરમિયાન બેંક ઓફ બરોડામાં ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના ખાતાની વિગતો પણ સામે આવી છે, જેમાં જનરલ સેક્રેટરી (મહામંત્રી) પદેથી રાજીનામું આપનારા ચંપત રાયનું ખાતું પણ સામેલ છે. અહેવાલો અનુસાર, ચંપત રાયનું આ ખાતું વર્ષો પહેલા દિલ્હીથી ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. હાલમાં આ ખાતામાં ખૂબ ઓછું બેલેન્સ છે, અને તે મોટાભાગે ઇનએક્ટિવ છે. જ્યારે ટ્રસ્ટ સાથે જોડાયેલા અનિલ મિશ્રાનું પણ આ જ બ્રાન્ચમાં એક ખાતું છે.

તેમણે તાજેતરમાં જ ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે ૨૦ લાખ રૂપિયાની લોન લીધી હતી. ચઢાવા ચોરીની તપાસ કરી રહેલી એજન્સીએ બેંકને નોટિસ પાઠવી આ ખાતાઓની વિગતો માંગી હતી.

પોલીસ દ્વારા માંગવામાં આવેલી વિગતોમાં અવિનાશ શુક્લા, મનીષ યાદવ અને સુપ્રિયા મિશ્રાના નામ સામેલ હતા. બેંકના જવાબ મુજબ, અવિનાશ શુક્લા અને મનીષ યાદવના ખાતા બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં મળી આવ્યા છે,

જ્યારે સુપ્રિયા મિશ્રાનું આ બ્રાન્ચમાં કોઈ ખાતું મળ્યું નથી. મનીષ યાદવના ખાતામાં અંદાજે ૧૪૦૦ રૂપિયાનું બેલેન્સ છે, અને છેલ્લા કેટલાક મહિનાઓથી આ ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન થઈ નથી. બેંક ઓફ બરોડા તરફથી આપવામાં આવેલા જવાબથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, બેંકની ભૂમિકા માત્ર ડિજિટલ ડોનેશન ચેનલ પૂરતી જ સીમિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.