હિંમતનગર હુંજના રાયાંકંપા તળાવની જમીનમાં બિનઅધિકૃત ફેન્સીંગ કરાતાં વિવાદ
(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર તાલુકાના કેટલાય તળાવોમાં સિંચાઇની વિવિધ યોજનાથી વંચિત છે ત્યારે હુંજ ગામની સીમમાં આવેલ રાયાંકંપા તળાવની જમીન સિંચાઈ વિભાગ દ્વારા સંપાદીત કરાઈ હોવા છતાં કેટલાક શખ્સોએ આ તળાવની જમીનમાં ગેરકાયદે કબ્જો કરી ફેન્સીંગ કરી દેવાતાં સમગ્ર ગામમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકાના હુંજ ગામના સીમાડામાં આવેલ રાંયાકંપા તળાવમાં વરસાદી પાણી ભરાયા પછી તળાવ નજીક આવેલ ખેડુતોના બોરકુવાઓમાં પાણીના તળ ઉંચા આવે તેવો આશય છે જેના માટે સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આ તળાવને ઉંડુ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ઓછા વરસાદને કારણે ચોમાસામાં તળાવ પાણીથી પુરેપુરૂ ભરાતું નથી.
ગ્રામ લોકોએ કરેલા આક્ષેપ મુજબ રાયાંકંપા તળાવ અંદાજે ર૮ હેકટર એટલે કે ૭ર એકરમાં પથરાયેલું છે. પરંતુ કેટલાક ખેડુતોએ આ સરકારી તળાવની જમીનમાં ગેરકાયદે કબ્જો કરી ફેન્સીંગ તારની વાડ કરી દીધી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. જો આમ જ ચાલશે તો રાયાંકંપા તળાવનું ભવિષ્યમાં નામોનિશાન મટી જશે.
જેથી ગામના અબોલ પશુધનને ચોમાસામાં લીલો ઘાસચારો મળી રહે તે માટે સંલગ્ન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. તળાવની પાર નજીક લિકેજના કારણે તળાવ ચોમાસામાં ભરાઇ જાય છે ને એકાદ બે માસમાં તળાવ ખાલીખમ થઈ જાય છે.
જેથી થોડાક વર્ષો અગાઉ સિંચાઈ વિભાગે તળાવનું લિકેજ બંધ કરવા માટે અંદાજે રૂ.૩ લાખના ખર્ચે પ્લાસ્ટીક પાથરીને માટીની પાળ બનાવી હતી જેમાં પણ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓએ ગાલમેલ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.
વહીવટ તંત્ર દ્વારા તળાવ ઉડું કરવા માટે તળાવનું તળીયું સિમેન્ટનું બનાવવા માટે ખોદકામ કર્યું હતું પરતું તે પછી શું થયું તે જોવા માટે સ્થળ તપાસ કરવી રહી. હુંજ, બોખર, કેશરપુરા, જગતપુર અને હિંમતપુરના ખેડુતોને તળાવમાં ભરાયેલ વરસાદી પાણીનો કોઈ લાભ મળતો નથી. જેથી સત્વરે સિંચાઇ વિભાગ યોગ્ય કરે તેવું ખેડુતો અને ગ્રામજનો ઈચ્છી રહયા છે.
