Western Times News

Gujarati News

ટ્રમ્પે ક્રિપ્ટોકરન્સીમાંથી જ ૧.૪ અબજ ડોલરની કમાણી કરી

File Photo

ટ્રમ્પે ટેરિફની ધમકી આપી વિશ્વના દેશો પાસેથી ડોલર પડાવ્યા

વિયેતનામમાં ટ્રમ્પના રિસોર્ટમાંથી ૫૦ લાખ ડોલર આવ્યા પછી ટ્રમ્પે તેની સાથેના ટ્રેડ ડીલ પર સહી કરી

વોશિંગ્ટન, કહેવત છે કે વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો, હવે આ જ સ્થિતિ વર્તમાન રાજકારણમાં બીજી રીતે લાગુ પડે છે. અમેરિકનો મરે કે ઇરાનીયનો મરે, પરંતુ ટ્રમ્પનું તરભાણુ ભરે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગયા વર્ષે ટેરિફ નાખીને ફક્ત અમેરિકાને જ જંગી કમાણી નથી કરાવી, પરંતુ તેમણે પોતે પણ આ જ ટેરિફના બેઝ પર જંગી કમાણી કરી હોવાનો રહસ્યોદઘાટન થતાં અમેરિકામાં ડેમોક્રેટ્‌સે હોબાળો મચાવ્યો છે.

આનો સૌથી મોટો પુરાવો અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યાના સમયગાળામાં ટ્રમ્પની કમાણી ૨.૪ અબજ ડોલરથી ત્રણ ગણા ઉપરાંત વધીને ૬ અબજ ડોલર થઈ ગઈ તે છે.ટ્રમ્પે ટેરિફ નાખ્યો હોય તેવા કેટલાય દેશોમાં નવી હોટેલ, રિસોર્ટ અને સંખ્યાબંધ ડીલ્સ કરીને લાખો નહીં કરોડો ડોલરની કમાણી કરી છે. આ બધા જ રોકાણોને તેણે તે દેશમાંથી ટેરિફના જવાબમાં ડોલર ઉસેટતા મશીનમાં રુપાંતર કરી દીધા છે. સાઉદી અરેબિયાની પ્રોપર્ટીએ જ ગયા વર્ષે ટ્રમ્પને એક અબજ ડોલર કમાઈ આપ્યા હતા. સાઉદી અરેબિયાના શાસકની નજીકના મનાતા રિયલ એસ્ટેટ ડેવલપરે આ રકમ મોકલી હતી.

આવી જ રીતે રોમાનિયામાં બુખારેસ્ટ અને કતારના શાસક પક્ષની નજીકના ડેવલપરે તેમને ૫૦-૫૦ લાખ ડોલર મોકલ્યા હતા.યાદ રહે કે કતાર ઇરાન સાથેના ડીલરનું મધ્યસ્થી પણ છે. તેણે ટ્રમ્પને કિંમતી પ્લેનની ભેટ પણ આપી છે. ટ્રમ્પે બદલામાં કતારને અમેરિકાની મહત્ત્વની ટેકનોલોજી આપી દીધી હોવાનું કહેવાય છે.આ સિવાય ટ્રમ્પને તેના સત્તાવાર નિવાસ્થાન ફ્લોરિડાના માર-એ-લાગોમાંથી જંગી કમાણી થઈ છે. તેમની આ પ્રોપર્ટીમાંથી તેમને ગયા વર્ષે ૭.૭ કરોડ ડોલરની આવક થઈ હતી, આ આવક તે પ્રમુખ બન્યા પહેલા સામાન્ય નાગરિક હતા તેની તુલનાએ ૫૦ ટકાનો વધારો દર્શાવે છે.

પ્રમુખ અંગે જાહેર કરવામાં આવેલા ડિસ્ક્લોઝર રિપોર્ટમાં બધી જ સંપત્તિની આવક તરીકે દર્શાવાઈ છે, કોઈપણ નફા તરીકે દર્શાવાઈ જ નથી.આ જ રીતે ટ્રમ્પે વિયેતનામમાં સ્થાપેલા રિસોર્ટમાંથી ગયા વર્ષે ૫૦ લાખ ડોલરની આવક મેળવી હતી. તેના પછી જ ટ્રમ્પે વિયેતનામના ડેપ્યુટી નાયબ પ્રધાન સાથે ટેરિફમાં ઘટાડાના ડીલ પર સહી કરી હતી. હવે ટ્રમ્પના આ ટ્રેડ ડીલ અને તેની આવક સાથે કોઈપણ પ્રકારના સંબંધ પ્રસ્થાપિત થતો નથી, પરંતુ તે હકીકત છે કે ટ્રમ્પ જેની સાથે ડીલ કર્યા છે તેમાના મોટાભાગના દેશોમાં તેણે લક્ઝરી રિસોર્ટથી લઈને કોઈને કોઈ રિયલ એસ્ટેટ સ્થાપી જ છે.

આમ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને ટ્રેડ ડીલ ફક્ત અમેરિકા જ નહીં પણ ટ્રમ્પના ખિસ્સા ભર્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.ટ્રમ્પને ગયા વર્ષે થયેલી કુલ આવકમાં ડિજિટલ એસેટ્‌સમાંથી જ ૧.૪ અબજ ડોલરથી વધુની કમાણી થઈ હતી, જે તેને વારસામાં મળેલા રિયલ્ટીના કારોબારથી વધી ગઈ છે. આ સીધું બતાવે છે કે ટ્રમ્પે ટેરિફ અને ટ્રેડ ડીલનો ઉપયોગ આડકતરી રીતે તેની સંપત્તિમાં વધારો કરવા માટે કર્યાે છે.

હવે સુપ્રીમ કોર્ટે ટેરિફ તો રદ કરી નાખ્યા છે, પરંતુ ટ્રમ્પ ટ્રેડ ડીલના નામે કેટલાય દેશોના વડાઓને ભીંસમાં લઈને પોતાનું વ્યક્તિગત જંગી નાણાકીય વળતર જાળવી શકે છે.કદાચ ટ્રમ્પ પહેલા એવા અમેરિકન પ્રમુખ બન્યા હશે જેમણે વિશ્વના આટલા બધા દેશો પાસેથી ડોલર પડાવ્યા હશે. સામાન્ય રીતે અમેરિકા ડોલર ચૂકવતું હોય છે. ટ્રમ્પે અમેરિકા પાસેથી વળતર મેળવનારા દેશોના નાણા ઓળવી જઈને વિપરીત ચાલ શરૂ કરી છે.તેણે રીતસર ડોલર ઉસેટવા માંડયા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.