ભારત પર ‘સ્ટ્રિંગ આૅફ પર્લ્સ’નો ખતરો ?
ચીન બાંગ્લાદેશને સસ્તા અને સરળ શરતો પર હથિયારો આપીને બંગાળની ખાડીમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે
પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશને ચીન આપશે J-10C જેટ
ઢાંકા, ચીન અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ સહયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરના વર્ષાેમાં બાંગ્લાદેશે ચીન પાસેથી J-10C ફાઇટર જેટ, Type-15 ટેન્ક અને અન્ય આધુનિક હથિયારો ખરીદવાના મોટા કરાર કર્યા છે. આ ડીલ માત્ર બાંગ્લાદેશની સૈન્ય ક્ષમતા જ નથી વધારી રહી, પરંતુ ભારતની પૂર્વીય સરહદ પર એક નવો પડકાર પણ ઊભો કરી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે, ચીનની આ વ્યૂહરચના તેની ‘સ્ટ્રિંગ આૅફ પર્લ્સ’ નીતિનો એક ભાગ છે, જે અંતર્ગત તે ભારતના પડોશી દેશોને હથિયારો આપીને ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બાંગ્લાદેશ વાયુસેના પોતાના જૂના ચાઇનીઝ F-7 જેટ્સને બદલવા માટે ચીન પાસેથી ૨૦-૨૪ J-10C મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદી રહી છે. આ સંરક્ષણ સોદો અંદાજે ૨.૨ બિલિયન ડૉલરનો છે, અને તે ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. J-10Cએ ચીનનું ચોથી પેઢીનું ઍડ્વાન્સ ફાઇટર જેટ છે. આ જેટ AESA રડાર, ઍડ્વાન્સ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, PL-15 લાંબી અંતરની એર-ટુ-એર મિસાઇલ અને સુપરક્‰ઝ ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન પણ આ ફાઇટર જેટનો ઉપયોગ કરી રહ્યું છે. બંગાળની ખાડી અને ભારતની પૂર્વી સરહદ પાસે બાંગ્લાદેશની આ ક્ષમતા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
બાંગ્લાદેશ આર્મીને તાજેતરમાં જ ચીની Type-15(VT-5) લાઇટ ટેન્કનો નવો સોદો મળ્યો છે. આ ટેન્ક વજનમાં હલકી, ઝડપી અને પહાડી તેમજ, મુશ્કેલ વિસ્તારોમાં અત્યંત પ્રભાવશાળી છે. 105mm ગન અને આધુનિક ફાયર કંટ્રોલ સિસ્ટમ સાથેની આ ટેન્ક બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ (નદીઓ, દલદલ અને પહાડો) માટે એકદમ અનુકૂળ છે.આ ઉપરાંત, ચીન બાંગ્લાદેશને MBRL (મલ્ટી બેરલ રોકેટ લોન્ચર), આર્ટિલરી સિસ્ટમ, સરફેસ-ટુ-એર મિસાઇલો, ડ્રોન અને સબમરીન પણ સપ્લાય કરી રહ્યું છે. બાંગ્લાદેશ પોતાના ‘Forces Goal 2030’ અંતર્ગત સૈન્યનું આધુનિકીકરણ કરી રહ્યું છે, જેમાં ૨૦૧૦-૨૦૨૦ વચ્ચે બાંગ્લાદેશના ૭૩% હથિયારો માત્ર ચીનમાંથી આવ્યા છે.ચીન બાંગ્લાદેશને સસ્તા અને સરળ શરતો પર હથિયારો આપીને બંગાળની ખાડીમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે.
પાકિસ્તાનનું ગ્વાદર, શ્રીલંકાનું હમ્બનટોટા અને બાંગ્લાદેશનું ચટગાંવ બંદર, આ બધી જગ્યાઓ પર ચીની રોકાણ ભારતને ઘેરવાની રણનીતિ છે. ભારત માટે આ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ભારતનો સિલીગુડી કોરિડોર(ચિકન્સ નેક) પહેલેથી જ સંવેદનશીલ છે. બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય પરિવર્તન બાદ, ચીન તરફ તેનો ઝુકાવ વધ્યો છે. જો ભવિષ્યમાં બાંગ્લાદેશ આ હથિયારોનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરે, તો J-10C જેટ્સ ભારતીય વાયુસેનાના રાફેલ, su-30MKI અને તેજસ સામે મોટો પડકાર બની શકે છે.ભારત આ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારત પોતાની પૂર્વીય સરહદો પર સૈન્ય તૈનાતી, સુદૃઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રોન અને મિસાઇલ સિસ્ટમ મજબૂત કરી રહ્યું છે. કૂટનીતિક સ્તરે, ભારત QUAD અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો દ્વારા ચીનના આ પ્રભાવને રોકવા અને બાંગ્લાદેશ સાથે સંરક્ષણ સહયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.SS1
