Western Times News

Gujarati News

નેધરલેન્ડના વિઝાના નામે ૬ યુવકો સાથે રૂ ૧૦.૫૭ લાખની છેતરપિંડી

છેતરપિંડીની વધુ એક ઘટના

ખંભાત શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના બે હોદ્દેદાર સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો

આણંદ,આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામના ૬ યુવકોને ખંભાતના બે અને વડોદરાના એક શખ્સે ભેગા મળી નેધરલેન્ડના વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી યુવકો પાસેથી જુદી જુદી રકમ મળી રૂ ૧૦.૫૭ લાખ લઈને ઠગાઈ કરી હતી. જેમાં નાણાં પડાવી લઈને વિઝા નહીં અપાવી તેમજ નાણાં પણ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ ખંભાત શહેર પોલીસમથકમાં નોંધાઈ છે. જેમાં આરોપી ખંભાત ભાજપના બે હોદ્દેદારો હોવાથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાતના શકરપુર ગામે રહેતા માલવકુમાર ભુપેશભાઈ પટેલને મિત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મોચીવાડ ખાતે એલઆઈસીની ઓફિસ ધરાવતા હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી નેધરલેન્ડ વર્ક પરમિટ વિઝાનું કામકાજ કરે છે અને તે અંગે સ્ટેટસ પણ મુક્યું છે. જેથી તેમનો સંપર્ક કરતા તેમણે ચિરાગ અરવિંદભાઈ ડોડિયા સાથે મુલાકાત કરાવી હતી અને નેધરલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે ૬ લાખ ખર્ચાે થશે, રહેવા-જવાનું કંપની તરફથી અને કંપનીના વેર હાઉસમાં કામ કરવાનું રહેશેનું જણાવ્યું હતું. જે પેટે ૧.૫૦ લાખ એડવાન્સમાં આપવાના રહેશે, વિઝા આવ્યા બાદ ૫૦ હજાર અને બાકીની રકમ નેધરલેન્ડ ગયા બાદ પગારમાંથી આપવાની શરત મૂકી હતી.જેથી માલવકુમાર અને મિત્ર સૌરવ મુકેશભાઈ પટેલ તેમજ તેનો ભાઈ વિવેક નેધરલેન્ડ જવા માટે તૈયાર હતા.

તેઓએ હિરેનગીરી અને ચિરાગને મળીને માંગેલી રકમ તેમજ વિઝાને લગતા જરૂરી દસ્તાવેજો આપ્યા હતા. ત્યારબાદ તેમણે થોડા સમયમાં વિઝા આવી જશેનું જણાવ્યું હતું. ઈન્કવાયરી કરતા તેમણે વડોદરાના દિવ્યેશભાઈ દિલીપભાઈ પટેલની ઓળખાણ કરાવી હતી અને તેઓને વિઝાનું કામ સોંપ્યું હોવાનું જણાવીને ખંભાત આવી કરાર કરીને જો વિઝા ના થાય તો પૈસા પરત કરવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ પણ વિઝા ના આવતા તપાસ કરતા ઉક્ત ત્રણેય શખ્સોએ પણ રીતીક નિમેષભાઈ પટેલ, કુણાલ હસમુખભાઈ પટેલ અને હર્ષ દિલીપભાઈ પટેલ પાસેથી પણ નેધરલેન્ડના વર્ક પરમિટ વિઝાના બહાને પૈસા લીધાનું જાણવા મળ્યું હતું.

તમામ પાસેથી કુલ ૧૦.૫૭ લાખ મેળવી લઈને વિઝા અપાવ્યા નહોતા જેથી પૈસા પરત માંગતા ના આપતા આ અંગે ખંભાત શહેર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે હતો.નોંધનીય છે કે, ખંભાતનો હિરેનગીરી ગોસ્વામી તે આણંદ જિલ્લા ભાજપા યુવા મોરચાનો મહામંત્રી છે. જ્યારે ચિરાગ ડોડીયા ખંભાત શહેર ભાજપા યુવા મોરચાનો મંત્રી છે.જેઓની સામે નેધરલેન્ડ વર્ક પરમીટ વિઝાના બહાને લાખો રૂપિયા પડાવી છેતરપિંડી અને વિશ્વાતઘાતની ફરિયાદ નોંધાતા ભાજપા સંગઠનમાં ભારે ચકચાર મચી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.