પોલીસનું ‘ઓપરેશન કારાવાસ-ર’ ૧૩ વર્ષથી ફરાર ગુનેગારો સહિત 18 આરોપી ઝડપાયા
AI Image
રાજકોટ, જેલમાંથી પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે રાજય પોલીસ વડા અને રેન્જ આઈજી તથા રૂરલ એસ.પી.ના માર્ગદર્શન હેઠળ “ઓપરેશન કારાવાસ-ર” ડ્રાઈવ યોજી હતી.
એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની વિવિધ ટીમોએ ચોરી, ધાડ, લૂંટ, પોક્સો, સાયબર ફ્રોડ અને દારૂ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૧૮ લિસ્ટેડ આરોપીઓને અલગ – અલગ રાજયો અને જિલ્લાઓમાંથી ઝડપી લીધા હતા.
સ્થાનિક પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપ્યા છે. જેમાં માણાવદરમાં લૂંટ- ધાડના ગુનામાં ૮ વર્ષથી ફરાર સબુર જોખલા મૈડા (એમપી), કોટડાસાંગાણીના અપહરણ કેસમાં ૧૩ વર્ષથી ફરાર ખેલુ થાવરીયા બામણીયા (એમપી),
૧૧ વર્ષથી ટેકસ ચોરીમાં ફરાર ઉમાશંકર બૈતાલિક (પશ્ચિમ બંગાળ) અને જેતપુર- ઉદ્યોગનગરના દારૂના ગુનામાં ૩ વર્ષથી ફરાર શ્યામલાલ બિશ્રોઈ (રાજસ્થાન) સામેલ છે. આ ઉપરાંત દાહોદના જવસીંગ મંડોડને દુષ્કર્મ- પોક્સોના ગુનામાં ઝડપી પાટણવાવ પોલીસને સોંપાયો છે.
લોધિકાના વિશ્વાસઘાતના ગુનામાં શ્યામ ઉર્ફે અંકિત ખાંટ, ગોંડલ અને યુપીના સાયબર ક્રાઈમમાં ફરાર ભરત રાવતાણી તથા જીતેન્દ્ર રાવતાણી, કોટડાસાંગાણીના ઘરફોડ ચોરીના ગુનામાં મહિલા તસ્કર ચાંદનીબેન ભાકોડિયા, તેમજ પોરબંદરના ખંડણી-વ્યાજખોરીના ગુનામાં મોહન ઉર્ફે ધોબી વાજાની ધરપકડ કરાઈ છે. જયારે વિરપુર- વંથલીના ચોરીના ગુનામાં મોક્ષ ઉર્ફે મૌલિક સોલંકી તથા ઉપલેટાના ૩ વર્ષ જૂના ચોરીના કેસમાં એમપીના સરમ શીંગાળા અને બબલુ શીંગાળાને ઝડપી લેવાયા છે.
દારૂના ગુનાઓમાં નાસતા ફરતા શખસો સામે પણ મોટી સફળતા મળી છે, જેમા ંઅનેક ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગર ધવલ રસિક સાવલિયાને રાજસ્થાનના વિજયનગરથી ઝડપી જામકંડોરણા પોલીસને સોંપાયો છે. આ સિવાય બુટલેગર વિપુલ મેતા, ભાવેશ ઉર્ફે ટાઈગર મેટાળિયા અને દિલુભાઈ તકમરીયાની ધરપકડ કરવામાં આવી છે. જયારે છ મહિનાથી ફરાર અન્ય એક બુટલેગર જગદીશ ઉર્ફે જગાનું અવસાન થયું હોવાનું સામે આવતા પોલીસે તે અંગેનો રિપોર્ટ કર્યો છે.
