Western Times News

Gujarati News

ભૂસ્ખલન થતાં દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વે ઠપ

File Photo

નવી દિલ્હી, દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે ઉદ્ઘાટનના ટૂંક સમયમાં જ સવાલોના ઘેરામાં આવી ગયો છે. પહેલાં રસ્તા પર ખાડાઓનો વીડિયો વાઈરલ થયો હતો, અને હવે ભારે વરસાદ બાદ પહાડ પરથી મોટો કાટમાળ ધસી આવવાને કારણે એક્સપ્રેસવે બંધ કરવો પડ્યો છે.

દહેરાદૂનથી દિલ્હી તરફ જતો, દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે ફરી એકવાર ખોરવાઈ ગયો છે. ગત મોડી રાત્રે થયેલા ભારે વરસાદ બાદ પહાડો પરથી મોટી માત્રામાં કાટમાળ એક્સપ્રેસવે પર આવી પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યો છે. હાલમાં દહેરાદૂનથી દિલ્હી જતા વાહનોને જૂના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમ અને મશીનો વહેલી તકે વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટે સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગેલા છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે, એક્સપ્રેસવે સવાલોના ઘેરામાં આવ્યો હોય. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ વે પર ખાડાઓનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

હવે ઉદ્ઘાટનના માત્ર ૨ મહિનાની અંદર જ વરસાદ દરમિયાન કાટમાળ આવી જતાં, તેની સુરક્ષા વ્યવસ્થા, પહાડોનું કટીંગ અને બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનો એક હિસ્સો બેસી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ કડક કાર્યવાહી કરી છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઓથોરિટી એન્જિનિયરની ટીમના વડા અને કોન્ટ્રાક્ટરના પ્રોજેક્ટ મેનેજરને સસ્પેન્ડ કરી દીધા છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ પાણી ભરાવાને કારણે રસ્તાનો એક ભાગ બેસી ગયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સંબંધિત પ્રોજેક્ટ ડાયરેક્ટર, ઓથોરિટી એન્જિનિયર અને એન્જિનિયરિંગ, પ્રોક્્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોર પર રોડની સપાટી બેસી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના ૩૦ જુનની રાત્રે પડેલા વરસાદને કારણે એક જગ્યાએ પાણી ભરાઈ જવા અને ત્યાં કાયમી ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત ન હોવાને કારણે બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.