ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડયો : ૧૨૫મા ક્રમે ધકેલાયો
પ્રતિકાત્મક
ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સના ૨૦૨૫ના રિપોર્ટમાં ભારતના પાસપોર્ટને ૧૨૪મું સ્થાન હતું
છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે જ પોઇન્ટનો સુધારો થયો ભારત કરતા ચીન આગળ નીકળ્યું પણ પાક. પાછળ
નવી દિલ્હી, વિશ્વભરના દેશોના પાસપોર્ટનો ૨૦૨૬નો ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભારતનો પાસપોર્ટ ૧૯૭ દેશોમાંથી ૧૨૫મું સ્થાન ધરાવે છે. એટલે કે મજબુત પાસપોર્ટવાળા ટોપ ૧૦૦ દેશોમાં પણ ભારતનું સ્થાન નથી, ૨૦૨૫માં ભારતના પાસપોર્ટની જે સ્થિતિ હતી તેનાથી પણ વધુ એક પોઇન્ટ નબળો સાબિત થયો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે જ પોઇન્ટનો સુધારો થઇ શક્યો છે.ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સના ૨૦૨૫ના રિપોર્ટમાં ભારતના પાસપોર્ટને ૧૨૪મું સ્થાન હતું, એક વર્ષમાં પાસપોર્ટ વધુ પાછળ ધકેલાયો અને હવે આ વર્ષે તેને ૧૨૫મું સ્થાન આપવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૧માં ભારતનો પાસપોર્ટ ૧૨૭માં ક્રમે હતો એટલે કે આટલા વર્ષાેમાં માત્ર બે જ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ ભારતના નાગરિકો ભારતીય પાસપોર્ટના આધારે ૨૬ દેશોમાં વિઝા વગર જ પ્રવેશ કરી શકે છે જેમાં નેપાળ, ભુટાન, પેલેસ્ટાઇન, ટયુનિશિયા, જમાઇકા વગેરે નાના દેશોનો સમાવેશ થાય છે.જ્યારે બીજી તરફ અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ચીન, યુએઇ સહિત ૮૮ દેશોમાં ભારતના નાગરિકોને વિઝા વગર પ્રવેશ નથી.
પાસપોર્ટનો ગ્લોબલ ઇન્ડેક્સ કેટલા દેશોમાં સરળતાથી માત્ર પાસપોર્ટના આધારે જ વિઝા વગર જ પ્રવેશ મળે છે, રહેવાની અને અન્ય સુવિધાઓ વિદેશીઓને કેવી અપાય છે તેના પર આધારિત હોય છે.વિશ્વભરના દેશોના પોસપોર્ટમાં સૌથી વધુ મજબુત પાસપોર્ટ સ્વિડનનો છે, સ્વિડન આ ક્રમમાં પ્રથમ, સ્વિટ્ઝર્લેન્ડ બીજા, ફિનલેન્ડ ત્રીજા, જર્મની ચોથા, નેધરલેન્ડ્સ પાંચમાં ક્રમે છે. જે મોટાભાગના યુરોપિયન દેશો છે.
ટોપ ૧૦ મજબુત પાસપોર્ટમાં બ્રિટન અને સિંગાપોરનો પણ સમાવેશ થાય છે. જોકે અમેરિકા આ ક્રમમાં સામેલ નથી અમેરિકા અને ફ્રાન્સ બન્નેને ૧૧મો ક્રમ મળ્યો છે. કેનેડા ૧૩માં સ્થાને છે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં યુરોપના દેશો સૌથી આગળ છે. આ ઇન્ડેક્સને ગ્લોબલ સિટિઝન સોલ્યુસન જીસીએસ દ્વારા જાહેર કરાયો હતો. ભારતના પાડોશી દેશોના પાસપોર્ટ પર નજર કરીએ તો બાંગ્લાદેશ ૧૬૬, નેપાળ ૧૬૪, પાકિસ્તાન ૧૮૮માં સ્થાન પર છે. જ્યારે ચીન આ ક્રમમાં ૧૦૪માં સ્થાન પર પહોંચીને ભારતથી આગળ નીકળી ગયું છે.SS1
