Western Times News

Gujarati News

ફિલ્મ ડાઉનલોડ થઈ ગઈ છે, કોઈ રોકી નહીં શકે : દિલજીત

સતલુજ ફિલ્મ હટાવાયા બાદ દિલજીતનો પડકાર

છેલ્લા ૪ વર્ષમાં જ્યારે પણ તેને આ ફિલ્મ યાદ આવતી, ત્યારે તેનું મગજ એક-બે કલાક માટે ડિસ્ટર્બ થઈ જતું હતું

મુંબઈ, પંજાબી સિંગર અને સુપરસ્ટાર દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની ગઈ છે. છેલ્લા ૪ વર્ષથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ચક્કરમાં અટકેલી આ ફિલ્મ શુક્રવારે અચાનક કોઈપણ જાહેરાત કે પ્રમોશન વિના ઓટીટી પ્લેટફોર્મ ‘ZEE5’ પર રિલીઝ કરી દેવામાં આવી હતી. જોકે, રિલીઝના ગણતરીના ૪૮ કલાકની અંદર જ આ ફિલ્મને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે.

આ મોટો ઝટકો લાગ્યા બાદ દિલજીત દોસાંઝે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને પ્રતિક્રિયા આપી છે.ફિલ્મ અચાનક હટી જવા અંગે દિલજીતે લાઇવમાં જણાવ્યું કે, ‘જે વાતનો અંદાજ મને શુક્રવારે જ હતો, તે હવે થઈ ચૂક્યું છે, તેથી મને કોઈ આઘાત લાગ્યો નથી. મને એમ હતું કે સોમવારે જ્યારે સરકારી ઓફિસો ખુલશે ત્યારે આ ફિલ્મ પર બેન લાગશે, પણ રવિવારે સાંજે જ તેને હટાવી દેવાશે તેનો અંદાજ નહોતો. જો અમે બે દિવસ પહેલાં આનું પ્રમોશન કર્યું હોત, તો ફિલ્મ કદાચ રિલીઝ પણ ન થઈ શકી હોત. પણ મને સંતોષ છે કે ફિલ્મ હવે ઘર-ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોએ તેને ડાઉનલોડ પણ કરી લીધી છે.

આજનો યુવા વર્ગ આ ફિલ્મ વિશે વાત કરી રહ્યો છે.’ સોશિયલ મીડિયા પર એવા વીડિયો પણ વાઈરલ થયા છે જ્યાં લોકો પ્રોજેક્ટર લગાવીને સાથે બેસીને આ ફિલ્મ જોઈ રહ્યા છે.દિલજીત દોસાંઝે પોતાના લાઇવ સેશનમાં એક ખાસ વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘સવારે મેં એક વીડિયો જોયો જેમાં એક ગુરુદ્વારામાં આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે, જે મને ખૂબ જ ગમ્યું. અમે આ ફિલ્મ માટે જેટલી મહેનત કરી હતી, તે દર્શકો સુધી પહોંચવી જરૂરી હતી. જે વાત અમે જે રીતે કહેવા માંગતા હતા, તે હવે લોકો સામે આવી ગઈ છે. હવે આ ફિલ્મ તમારી છે, જેટલી વાર જોવી હોય એટલી વાર જુઓ.

’ફિલ્મ પર વારંવાર લાગતા પ્રતિબંધો અંગે નારાજગી વ્યક્ત કરતા દિલજીતે કહ્યું કે, ‘આજે ઘર-ઘરમાં જસવંત સિંહ ખાલડાની વાત થઈ રહી છે. ફિલ્મને જેટલી રોકવાનો પ્રયાસ કરાશે, તેટલી જ તેના વિશે વધુ ચર્ચા થશે. જસવંત સિંહ ખાલડાની વાર્તા ૧૯૯૫ની છે અને આજે ૨૦૨૬ ચાલી રહ્યું છે. તમામ બાબતો અદાલતોના ચુકાદાઓમાં લખેલી જ છે, છતાં પણ તેમની વાત કરવા દેવામાં નથી આવી રહી, તે આશ્ચર્યજનક છે.’

ફિલ્મને રોકનારાઓ પર પ્રહાર કરતા દિલજીતે કહ્યું કે, ‘ઇન્ટરનેટ પરથી એક વાટ્‌સએપ મેસેજ પણ સંપૂર્ણપણે ડિલીટ નથી થતો અને આ લોકોને લાગે છે કે આખી ફિલ્મ ગાયબ થઈ જશે! ખબર નહીં આ લોકો ભોળા છે કે બેવકૂફ!’દિલજીતે ભાવુક થઈને સ્વીકાર્યું કે, ‘છેલ્લા ૪ વર્ષમાં જ્યારે પણ તેને આ ફિલ્મ યાદ આવતી, ત્યારે તેનું મગજ એક-બે કલાક માટે ડિસ્ટર્બ થઈ જતું હતું.

આ ફિલ્મ બનાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી અને કેટલીક જગ્યાએ તો ૧૦થી ૧૫ દિવસ સુધી શૂટિંગ અટકી પડ્યું હતું. ‘સતલુજ’ના નિર્માણમાં ‘પોતાના જ લોકોએ’ ઘણી સમસ્યાઓ ઊભી કરી હતી. પરંતુ હવે તેને અને ડાયરેક્ટર હની ત્રેહાનને એ વાતનો સંતોષ છે કે ભલે પાઇરસીના સહારે જ, પણ લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે અને આ જ અમારી મહેનતની સાચી કમાણી છે.’SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.