Surat: મધુબન ડેમના ૮ દરવાજા ૪ મીટર ખોલી ૧.૨૮ લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું
સુરતમાં હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં
(એજન્સી) અમદાવાદ, રાજ્યમાં મંગળવારે દ.ગુજરાતમાં મેઘતાંડવ બાદ સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદે વિરામ લેતા કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે પરંતુ ખાડીઓ ભયજનક સ્તરે હોવાથી હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.
ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. જ્યાં છેલ્લા ૨૪ કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ ૧૮.૧૯ ઈંચ, તો કામરેજમાં ૧૭.૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે બાદ નવસારીમાં ૧૫.૨૮ ઇંચ તો સુરત શહેરમાં ૧૪.૦૯ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વલસાડ જિલ્લામાં મંગળવારે સાંજે ૪ થી બુધવારે સવારે ૬ વાગ્યા સુધી ૨.૪ ઇંચ વરસાદ નોંધાયો.
કપરાડામાં ૮.૪ ઇંચ સાથે જળબંબાકાર થયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. મધુબન ડેમના ૮ દરવાજા ૪ મીટર ખોલી ૧.૨૮ લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું, જેથી નદી બે કાંઠે વહેતી થઈ. તંત્રએ લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.
વરસાદ બાદજળ મગ્ન સ્માર્ટ સીટી સુરત
pic.twitter.com/3p5IQyO7kI— Kamit Solanki (@KamitSolanki) July 9, 2026
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા ચાર કલાક એટલે કે સવારના ૬ વાગ્યાથી ૧૦ વાગ્યાની વચ્ચે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં ૧.૨૬ ઈંચ નોંધાયો હતો. જ્યારે વલસાડના જ નાનાપોંધામાં જ ૧.૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ, નવસારી અને સુરતના ઉમરપાડામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પાંચમાંથી ત્રણ ખાડીઓ ભયજનક સપાટીને પાર કરી ગઈ છે, જેમાં સીમાડા ખાડી ૪.૫૦ મીટરની સામે ૫.૫૦ મીટરે પહોંચીને ઓવરફ્લો થઈ છે. આના કારણે લિંબાયત, સરથાણા, પર્વત પાટિયા અને ચીકુવાડી સહિતના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.
હજારો લોકો પાણી વચ્ચે ફસાયા છે અને જનજીવન તેમજ વાહનવ્યવહાર ખોરવાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ નાઉકાસ્ટ આગાહી અનુસાર આગામી ત્રણ કલાક માટે નર્મદા જિલ્લામાં જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના અડધો અડધ ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આજે વહેલી સવારથી બે કલાકના ગાળામાં ૫૮ તાલુકામાં મેઘમહેર નોંધાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં ૨૪ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગમાં ૨૦ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે .આજે નવસારીમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. જ્યાં ૧૭ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂક્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણામાં ૧૮.૧૯, કામરેજમાં ૧૭.૪, નવસારીમાં ૧૫.૨૮, સુરત શહેરમાં ૧૪.૦૯, વલસાડના કપરાડામાં ૧૨.૬૮ અને નવસારીના જલાલપોરમાં ૧૧.૦૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ મેઘરાજાએ નર્મદા જિલ્લાનો વારો પાડતા વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીના બે કલાકાના ગાળામાં જ નાંદોદમાં ૨.૩૬ ઈંચ જેટલી ધોધમાર બેટિંગ કરી હતી.
જેના કારણે ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે રાતે ૧૨ વાગ્યા બાદના પણ આંકડા સામે આવ્યા છે જે અનુસાર સુરતના ઉમરપાડામાં રાત્રિના બેથી ચાર વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં ૪.૧૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
