Western Times News

Gujarati News

પાલનપુરમાં આગમન હોસ્પિટલમાં સુવાવડ બાદ ૨૮ વર્ષીય પ્રસુતાનું મોત, લોકોમાં આક્રોશ

નવું બ્લડ ચડાવવામાં બેદરકારી દાખવ્યાનો આક્ષેપ-સમયસર લોહી ન મળવાને કારણે અથવા બ્લડ મેનેજમેન્ટમાં થયેલી મોટી ખામીને લીધે જ મહિલાની સ્થિતિ કાબૂ બહાર ગઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

(પ્રતિનિધિ)પાલનપુર, પાલનપુર સ્થાનિક ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની જિંદગી સાથે થતા ખિલવાડની વધુ એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પાલનપુરમાં સામે આવી છે. શહેરની ‘આગમન વિમેન્સ હોસ્પિટલ’માં પ્રથમ પ્રસુતિ માટે આવેલી ૨૮ વર્ષીય પરિણીતાનું તબીબોની ગંભીર બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સૂત્રો પાસેથી મળતી અત્યંત ચોંકાવનારી વિગતો મુજબ, પ્રસુતિની પ્રક્રિયા દરમિયાન મહિલાને અતિશય બ્લીડિંગ (લોહી વહી જવું) થયું હતું. આ કટોકટીની સ્થિતિમાં દર્દીને સમયસર અને યોગ્ય રીતે બીજું બ્લડ ચડાવવાની પ્રાથમિક ફરજ હોવા છતાં, હોસ્પિટલ તંત્ર અને તબીબો દ્વારા તેમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા માલુમ પડ્‌યું છે. સમયસર લોહી ન મળવાને કારણે અથવા બ્લડ મેનેજમેન્ટમાં થયેલી મોટી ખામીને લીધે જ મહિલાની સ્થિતિ કાબૂ બહાર ગઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

મૂળ કુંભાસણ (પિયર) અને કોઇટા (સાસરી)ના રહેવાસી ૨૮ વર્ષીય જયાબેન નેનાજી ઠાકોરને તેમની જિંદગીની પ્રથમ પ્રસુતિ માટે આગમન હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ખંજન મહેશ્વરી પાસે લાવવામાં આવ્યા હતા. જોકે, ડિલિવરી બાદ તબિયત સુધરવાના બદલે ગંભીર રીતે લથડી હતી.

આરોપ છે કે હોસ્પિટલ દ્વારા કેસ સંપૂર્ણપણે બગાડી નાખ્યા બાદ પોતાની ચામડી બચાવવા માટે પ્રસુતાને તાબડતોબ ‘વેદાંત આઈ.સી.યુ.’ માં રીફર કરી દેવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ અથવા લાવતા વેંત જ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું

આગમન હોસ્પિટલના તબીબ ખંજન મહેશ્વરી અગાઉ પણ અનેક કેસો બગાડવા બાબતે ભારે ચર્ચા અને વિવાદોમાં રહી ચૂક્યા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. આજે વધુ એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવતા જ મૃતકના સગા-સંબંધીઓ સહિત ઠાકોર સમાજના લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્‌યા હતા.

લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આટલી મોટી ગંભીર ઘટના બની હોવા છતાં, દર્દીનું મોત વાસ્તવમાં કઈ ખામીના કારણે થયું તે અંગે હોસ્પિટલ પ્રશાસન કે સત્તાવાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ કે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તબીબી આલમનું આ મૌન અનેક સવાલો ઉભા કરે છે. શંકાસ્પદ બેદરકારીના કારણે એક હસતા-રમતા પરિવારનો માળો પીખાઈ ગયો છે, ત્યારે પોલીસ આ મામલે પી એમ રિપોર્ટના આધારે કેવા પ્રકારની કડક કાનૂની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.