Western Times News

Gujarati News

હાલોલમાં સીકલીગર ગેંગનો સાગરીત રૂ.૮.૪૩ લાખના ચોરેલા મુદ્દામાલ સાથે ઝડપાયો

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. હાલોલના ગોપીપુરા ચાર રસ્તા પાસે નાકાબંધી દરમિયાન સીકલીગર ગેંગના એક સાગરીતને ચોરીના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.૮,૪૩,૦૫૫ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ભાવનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરીના માર્ગદર્શન અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાના નેતૃત્વમાં એલસીબીની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા સક્રિય કામગીરી કરી રહી હતી.

તપાસ દરમિયાન એલસીબીના પોલીસકર્મી કેતનકુમાર દેવરાજભાઈને હ્યુમન સોર્સિસ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે અજયસિંહ બીરસિંહ સીકલીગર, રહે. સાકળદા બસ સ્ટેશન પાસે, વડોદરા, ચોરીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે હોન્ડા સાઇન મોટરસાયકલ પર વડોદરાથી પાવાગઢ તરફ જઈ રહ્યો છે.

આ બાતમીના આધારે પીએસઆઈ એચ.આર. જેતાવત, પીએસઆઈ પી.એન. ઝાલા અને એલસીબીની ટીમે હાલોલના ગોપીપુરા ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી. બાતમી મુજબના શખ્સને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના કિંમત રૂ.૬,૯૩,૦૫૫ તથા રોકડા રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૮,૪૩,૦૫૫નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે આરોપી પાસે દાગીના અને રોકડ અંગે આધાર-પુરાવા માંગતા તે કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસે ભાવનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં થયેલી કુલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.