ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી AMCએ સ્થાપ્યો વિશ્વવિક્રમ
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત ભાઇ શાહે ગાંધીનગર સંસદીય મત વિસ્તાર ને હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવા કરેલા સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મહાનગર પાલિકા ની આગવી સિદ્ધિ
આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભામાં 1.25 કરોડ વૃક્ષો, તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર
25,000થી વધુ વોલેન્ટિયર્સની ભાગીદારીથી 76,000 ચોરસ મીટર વિસ્તારમાં સર્જાયો હરિયાળીનો નવો ઇતિહાસ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત ભાઇ શાહે પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગર ને હરિયાળી લોકસભા વિસ્તાર બનવાવા કરેલા સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મહાનગર પાલિકાએ એક મહત્વ પૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો છે.
આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના પરિણામે વિશ્વવિક્રમ સર્જાયો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદશ્રી અમિતભાઈ શાહની પ્રેરણા થી આજે સમગ્ર સંસદીય મત વિસ્તાર માં ઘનિષ્ઠ વૃક્ષા રોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તેમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી તેમજ મેયરશ્રી, મુખ્ય સચિવશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, અન્ય પદાધિકારીશ્રીઓ, અ.મ્યુ.કો.નાં જુદા જુદા વિભાગોનાં અધિકારીશ્રીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ટી.પી. 30, એફ.પી. નં. 255 અને 246, સત્વમ હાઇટ્સ પાસે, ગોતા-ગોધવી કેનાલની બાજુમાં, ભાડજ, અમદાવાદ ખાતે અંદાજે 91,006 ચો.મીટર વિસ્તાર પૈકી 76,000 ચો.મીટરમાં વિસ્તારમાં એક ઐતિહાસિક હરિયાળી અભિયાનનાં આયોજનમાં સહભાગી થયા હતા.
અહી મિયાવાકી પદ્ધતિથી જુદી જુદી 35 જેટલી સ્થાનિક (Indigenous) જાતોનાં રોપાનું એક જ સ્થળે એક જ કલાકમાં 3.61 લાખ રોપાઓનું વૃક્ષારોપણ દ્વારા વિશ્વવિક્રમ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે.
આ સિદ્ધિ અમદાવાદ શહેરના પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે.
આ વિશ્વવિક્રમી કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, સ્કૂલ બોર્ડ, BAPS સંસ્થા, CRADAI, પોલીસ સ્ટાફ, NCC ના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO), શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કુલ 25 હજારથી વધુ નાગરિકોની સક્રિય લોક ભાગીદારીથી આ મહાઅભિયાન સફળ બન્યું હતું.
આ વૃક્ષારોપણ અભિયાનમાં સ્થાનિક (Indigenous) પ્રજાતિના પર્યાવરણને અનુકૂળ રોપાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રોપાઓ ભવિષ્યમાં જૈવ વૈવિધ્યના સંવર્ધન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, કાર્બન શોષણ, તાપમાન નિયંત્રણ તેમજ શહેરના હરિયાળા આવરણમાં નોંધપાત્ર વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ, પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસના માર્ગે આગળ ધપાવવા માટે વિવિધ પર્યાવરણલક્ષી કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ વિશ્વવિક્રમ માત્ર એક વૃક્ષારોપણ કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીઓને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ આપવાના સંકલ્પનું પ્રતીક છે.
નાગરિકોની સક્રિય ભાગીદારી અને સામૂહિક સહયોગથી અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવાના આવા જનહિતલક્ષી અભિયાનોને આગામી સમયમાં પણ વધુ વેગ આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ વિશ્વવિક્રમી અભિયાન માત્ર એક રેકોર્ડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જનભાગીદારી, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ટકાઉ શહેરી વિકાસનું જીવંત ઉદાહરણ છે. આ અભિયાનમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO), શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ તથા શહેરના હજારો નાગરિકોએ સક્રિય ભાગ લઈને હરિયાળા અમદાવાદના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. આ વિશ્વવિક્રમ સાથે અમદાવાદે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણમાં એક નવી ઓળખ ઉભી કરી છે અને હરિયાળું, સ્વચ્છ તથા ટકાઉ શહેર નિર્માણ તરફ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે.
