Western Times News

Gujarati News

SVP હોસ્પિટલ : ટાઈપીંગ ભૂલના કારણે રૂ.પાંચ કરોડનું નુકશાન

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ‘અંધેરી નગરીને ગંંડુ રાજા’ કહેવતની યાદ અપાવી જાય છે તે બાબત વધુ એક વખત સાર્થક થઈ છે. સામાન્ય દર્દી પાસે થી પણ એડવાન્સ પેમેન્ટ વસુલ કરતા એસવીપીના અધિકારીઓએ માત્ર ‘ટાઈપીંંગની ભૂલ’ને કારણે રૂ.પાંચ કરોડનું નુકશાન કરાવ્યુ છે. એસવીપી હોસ્પીટલ લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થયા બાદ એસવીપીના મહાનુભાવોને આ ભૂલ ધ્યાન પર આવી છે તેથી ‘ટાઈપીંગ’ ભૂલ સુધારવા માટે ફાઈલ તૈયાર કરી છે. પરંતુ જે નુકશાન થયુ છે તે ભરપાઈ થશે નહીં એ નિશ્ચિત છે.


શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલના વિકલ્પરૂપે તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પીટલમાં નવુ રમુજી કૌભાંડ બહાર આવ્યુ છે. હોસ્પીટલના વહીવટમાં ઉચ્ચ અધિકારીઓ હોવા છતાં અત્યંત નજીવી ભૂલના કારણે એક જ વર્ષમાં રૂ.પાંચ કરોડનું નુકશાન થયુ છે. સુત્રોએ જણાવ્યા અનુસાર એસવીપી હોસ્પીટલ કાર્યરત થઈ એ પેહલાં સારવાર સાધનોના દર નક્કી કરવામાં આવ્યા હતા. શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલમાં વેન્ટીલેટર માટે દૈનિક રૂ.બે હજાર લેવામાં આવતા હતા. તેથી એસવીપીમાં પણ રૂ.બે હજારના દર નક્કી કરવામાં આવ્યા હતા.

હોસ્પીટલ મેનેજમેન્ટ દ્વરા જ્યારે સારવાર- સાધનોના ભાવ લેખિતમાં જાહેર કરવામાં આવ્યા ત્યારે ‘ટાઈપ’ કરનાર  વ્યક્તિએ ભૂલથી રૂ.ર૦૦૦ના બદલે રૂ.ર૦૦ ટાઈપ કર્યા હતા. આમ, એક શૂન્ય ઓછું લખવામાં આવ્યુ હતુ. તેથી હોસ્પીટલ શરૂ થઈ તે સમયથી જ વેન્ટીલેટર માટે દૈનિક રૂ.ર૦૦ લેખે દર્દી પાસેથી લેવામાં આવતા હતા.

મ્યુનિસિપલ શાસકો અને કમિશ્નર એસવીપીના ગુણગાન ગાતા હતા ત્યારે પણ ઓછા અને રાહતદરની રેકર્ડ વગાડતા હતા પરંતુ એક પણ મહાનુભાવના ધ્યાનમાં આ ભૂલ આવી નહોતી. જેના કારણે હોસ્પીટલને આર્થિક નુકશાન થયુ છે. એસવીપી હોસ્પીટલમાં ૭૯ વેન્ટીલેટર છે. એક વેન્ટીલેટર દીઠ રૂ.૧૮૦૦ ઓછા લેવામાં આવ્યા છે. તેથી એક વર્ષમાં રૂ.પાંચ કરોડની આવક હોસ્પીટલે ગુમાવી છે.

હોસ્પીટલના અધિકારીઓ દૈનિક ૪૦ વેન્ટીલેટરનો ઉપયોગ થતો હોવાના દાવા કરે છે. એ મુજબ પણ ગણતરી કરવામાં આવે તો હોસ્પીટલને રૂ.ર.૬૦ કરોડનું નુકશાન થયુ છે. મ્યુનિસિપલ કમિશ્નર તથા હોસ્પીટલ સતાવાળાઓને એક વર્ષ બાદ આ બાબતે જ્ઞાન આવ્યુ છે. તેથી ‘ટાઈપીંગ’ ભૂલ સુધારી વેન્ટીલેટર માટે રૂ.બે હજાર ભાડું નક્કી કરવા ફાઈલ તૈયાર કરવામાં આવી છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

એસવીપી હોસ્પીટલના સતાવાળા ટાઈપીંગ ભૂલ સ્વીકારવા તૈયાર નથી. તથા વેન્ટીલેટર દર રૂ.ર૦૦ જ નક્કી કરવામાં આવ્યો હોવાનું રટણ રજુ કરે છે. સતાવાળા પોતાની ભૂલ પર ઢાંકપિછોડો કરવા માટે રૂ.બસોની માળા જપી રહ્યા છે. વી.એસ.હોસ્પીટલ કરતા દસ ગણા ઓછા ભાવ એસવીપીમાં લેવામાં આવે તે બાબત ગળે ઉતરે એમ નથી. વી.એસ.હોસ્પીટલમાં વેન્ટીલેટરના રૂ.ર હજાર ભરપાઈ ન કરનારને સારવાર આપવામાં આનાકાની થતી હોવાના અનેક કિસ્સા જે તે સમયે બહાર આવ્યા હતા.

જ્યારે રૂ.૭૦૦ કરોડના ખર્ચથી શરૂ થયેલ અને ‘મા’ કાર્ડના દર્દીઓ પાસેથી પણ એડવાન્સ રકમ લેવામાં આવતી હોય તે હોસ્પીટલ વેન્ટીલેટર પેટે માત્ર રૂ.ર૦૦ની ફી લેતી હોય તે બાબત માની શકાય એમ નથી. હોસ્પીટલ સતાવાળાની દલીલને માનવામાં આવે તો પણ એક જ વર્ષમાં વેન્ટીલેટર ફીમાં દસ ગણો વધારો કરવાની ફાઈલ શા માટે તૈયાર કરવામાં આવી છે? વેન્ટીલેટર રાહત દરે જ આપવાની ઈચ્છા હોય તો રૂ.ર૦૦ના બદલે રૂ.૪૦૦ લેખે ફી લેવાની ફાઈલ તૈયાર કરો અને મંજુરી આપવામાં આવે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

રાજ્ય સરકારની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવેલ એસવીપી હોસ્પીટલ વિવાદોનું કેન્દ્રસ્થાન બની રહી છે. હોસ્પીટલ કાર્યરત થયા બાદ સિક્યોરીટી સર્વિસ, મેન પાવર કોન્ટ્રાક્ટર તથા એપોલો ફાર્મસીની નબળી કામગીરી અને ગેરરીતિની વ્યાપક ફરીયાદો બહાર આવી છે. ‘મા’ કાર્ડ પેશન્ટના બીલમાં પણ એપોલો ફાર્મસી દ્વારા ચેડા કરવામાં આવતા હોવાનું પુરવાર થયુ છે. જેના કારણે તેને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

તેવી જ રીતે વી.એસ.હોસ્પીટલ માંથી ‘ટાંકણી’ ન લેવાના બદલે સાગમટે નિષ્ણાંત તબીબોને લઈ જવાયા છે. જ્યારે ‘મા’ કાર્ડના દર્દીઓ પાસેથી એડવાન્સ ફી લેવી, સેનીટેશનમાં ધાંધિયા, વરસાદમાં પાણી લીકેજ થવા, પાઈપમાંથી પાણી ટપકવા જેવા અનેક મુદ્દે એસવીપીમાં વિવાદ થયા છે. હવે, વેન્ટીલેટરનો નવો વિવાદ સામે  આવ્યો છે. પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ સત્તાવાળાઓ ભૂલ સ્વીકારવા તૈયાર નથી. !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.