Western Times News

Gujarati News

બારેજા ડેપોની બસ અચાનક બંધ કરી દેવાતા મુસાફરોની હાલત કફોડી બની

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) હિંમતનગર, અમદાવાદ એસટી ડિવીઝનના તાબામાં આવેલ બારેજા ડેપો દ્વારા થોડાક સમય અગાઉ અમદાવાદ-ઘડી બસ શરૂ કરવામાં આવી હતી. જેના લીધે વર્ષોથી ચાલતી આ બસ પુનઃ શરૂ થતાં પ્રાંતિજ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી નોકરી અને ધંધા માટે રોજ બરોજ અપડાઉન કરતાં મુસાફરોમાં જૂની અને જાણીતી આ બસ શરૂ થવાને કારણે આનંદની લાગણી પ્રસરી હતી.

પરંતુ બારેજા ડેપોના સત્તાવાળાઓએ ગમે તે કારણસર અમદાવાદ-ઘડી બસ રૂટ બંધ કરી દેવાતા રોજ અપડાઉન કરતાં મુસાફરો રઝળી પડ્‌યા છે. જેથી સત્વરે ખખડધજ બસને બદલે અન્ય સગવડવાળી બસને આ રૂટ પર દોડાવી જોઇએ.

આ અંગે અમદાવાદ-ઘડી બસમાં રોજબરોજ અમદાવાદ, ગાંધીનગર જતાં પ્રાંતિજ, તાજપુર કુઇ, મજરા, ચંદ્રાલા, છાલા, ચિલોડા સહિતના મુસાફરોએ રોષ વ્યકત કરીને જણાવ્યુ હતુ કે અમદાવાદ-ઘડી બસ વર્ષોથી ચાલતી હતી. પરંતુ તેને સત્તાવાળાઓએ બંધ કરી દીધી હતી.

ત્યારબાદ આ બસ શરૂ થવાને કારણે મુસાફરોમાં આનંદ વ્યાપ્યો હતો. પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા એકાદ અઠવાડીયાથી બસ બંધ કરી દેવાને કારણે રોજબરોજ અવરજવર કરતાં વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ રખડી પડયો છે. મુસાફરોના જણાવ્યા મુજબ વહેલી સવારે ઘડીથી ઉપડી વાયા પ્રાંતિજ જતી બસ ખુબજ અનુકુળ હોવાથી મુસાફરોને ગાંધીનગર અને અમદાવાદ જવામાં ખુબજ અનુકુળતા રહેતી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બારેજા ડેપોના સત્તાવાળાઓએ કોઇપણ જાતની જાણ કર્યા વિના આ બસ બંધ કરી દીધી છે. મુસાફરોનું કહેવું છે કે જયારે પણ બસ અમદાવાદથી ઉપડીને વાયા નરોડા થઇ પ્રાંતિજ તરફ આવે છે ત્યારે ખખડધજ બસ હોવાને કારણે તે ખોટકાઇ જાય છે.

તેથી થાકીને અને કંટાળીને આવેલા મુસાફરોનો સમય વેડફાય છે. મુસાફરોએ તો જો સત્વરે અમદાવાદ-ઘડી બસ શરૂ નહીં કરવામાં આવે તો નિગમના એમડી, સાંસદ અને ધારાસભ્યને સાથે રાખીને આંદોલન કરવાની પણ તૈયારીઓ કરી દીધી છે. જેથી બારેજા ડેપોના સત્તાવાળાઓએ સત્વરે બંધ કરેલ અમદાવાદ-ઘડી બસ રૂટને શરૂ કરવો જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.