Western Times News

Gujarati News

અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રા પર નીકળ્યા

જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યુંઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાનો પ્રારંભ: અમિતભાઈ શાહે મંગળા આરતી કરી : ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ સંપન્ન કરી

અમદાવાદ: લાખો ભક્તોની આતુર રાહ પછી, ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનો ભવ્ય આરંભ થયો છે. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રા પર નીકળ્યા. ભક્તોના ગગનભેદી નારાઓ વચ્ચે આ યાત્રા શરૂ થઈ.

વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં આરતી અને પૂજા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા. મોડી રાતથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી રહી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન કર્યું.

સતત પાંચમી વખત તેમણે સોનાની સાવરણીથી રથની સફાઈ કરી પહિંદ વિધિ પૂર્ણ કરી. મહાનુભાવોની હાજરીમાં મુખ્ય રથને ભક્તિભાવપૂર્વક નગરયાત્રા માટે બહાર લાવવામાં આવ્યો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા કચ્છી સમાજને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત આગેવાની કરશે. તેમણે આ યાત્રાને કોમી એકતા અને શાંતિનું પ્રતીક ગણાવી, સુરક્ષા અને વ્યવસ્થા માટે કાર્યરત તમામ વિભાગોનો આભાર માન્યો.

રથયાત્રા પૂર્વે આતંકવાદીઓ ઝડપાયા હોવાથી સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી છે. મંદિરમાં પ્રવેશતા દરેકની મેટલ ડિટેક્ટરથી ચકાસણી થાય છે. રથોની સુરક્ષા માટે 4,500 પોલીસ જવાનો અને ચેતક કમાન્ડો તૈનાત છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર વડા નીરજ બડગુજ્જરના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ પૂજન અને આરતીના દ્રશ્યો લાઈવ જોવા માટે સ્ક્રીન મૂકવામાં આવી છે, જેનાથી ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક વ્યવસ્થા એડી.સીપી અશ્વિન ચૌહાણની ટીમ સંભાળી રહી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, જયપાલસિંહ રાઠોડ, અજિત રાજિયાણ, ભરત રાઠોડ અને હર્ષદ પટેલની ટીમ પણ સુરક્ષા બંદોબસ્તમાં સક્રિય છે.

આ પાવન અવસરે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર હિતેશ બારોટ, ધારાસભ્યો અમિત ઠાકર, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, કંચનબેન રાદડિયા, રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત અનેક મહાનુભાવો તથા સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.