Western Times News

Gujarati News

સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીમાં ઊતરીને પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી

આંબલીની સેન્ટોસા પાર્ક સોસાયટી તેમજ ઘુમાની હરિઑમ વિલા તથા ઇસ્કોન ગ્રીન સહિતની સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીમાં ઊતરીને પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રીશ્રી

વરસાદી પાણીના સત્વરે નિકાલ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના આપતા મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં વરસેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા શહેરના આંબલી વિસ્તારની સેન્ટોસા પાર્ક સોસાયટી તેમજ ઘુમાની હરિઑમ વિલા તથા ઇસ્કોન ગ્રીન સોસાયટી સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જાતે વરસાદી પાણીમાં ઊતરીને વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને સમગ્ર પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ કરીને તેમને પડતી હાલાકી વિશે વિગતો મેળવી હતી. આ સમયે તેમની સાથે અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં સ્થિતિની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

આ બેઠકમાં અમ્યુકો (AMC)ના અધિકારીઓ દ્વારા શહેરમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, ભુવા પડવા, વૃક્ષો ધરાશાયી થવા અને રોડ સેટલમેન્ટ સહિતની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવી હતી.

જે મુજબ, શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદના કારણે મોસમનો સરેરાશ કુલ ૧૮.૪૨ ઇંચ (૪૫૭.૩૧ મી.મી.) વરસાદ નોંધાયો છે. શહેરના બાકરોલ, બોપલ, સરખેજ અર્બન અને જોધપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાને રાખી વાસણા બેરેજના ૨૨ દરવાજા ખોલવામાં આવ્યા છે.

વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૨ સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનના ૨૪૫ પમ્પ તથા ૮૩ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ૩૦૫ પમ્પ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરાયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારો માટે ૪૦ વાહન માઉન્ટેડ હેવી ડિ-વોટરિંગ પમ્પ (વરુણ પમ્પ) તહેનાત કરવામાં આવ્યા છે.

આ માટે કુલ ૧૨૯ જેટલી ડિસિલ્ટિંગ મંડળીઓ, ૪૦૦ જેટલા મજૂરો, ૭૨ ટ્રેક્ટર/છોટા હાથી, JCB, ૪૦ ફાઇટર પમ્પ અને દરેક વોર્ડમાં ERT ટીમો તહેનાત કરાઈ હોવાનું અમ્યુકો કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બગીચા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત ૩,૯૫૮ વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે પાલડી મોનસૂન કંટ્રોલરૂમ ખાતેથી SCADA સિસ્ટમ, Real Time Monitoring ડેશબોર્ડ અને ૧,૧૩૯ CCTV કેમેરા મારફત સતત ઓનલાઈન નિરીક્ષણ થઈ રહ્યું છે.

વાહનોની સલામતી માટે દક્ષિણી, ચાંદલોડિયા અને ચાંદખેડા અંડરપાસ બંધ રાખવામાં આવ્યા છે, જે પરિસ્થિતિ સામાન્ય થતાં તુરંત જ પુનઃ શરૂ કરવામાં આવશે. પાવર અને ટ્રાફિકની સમસ્યાઓ ઉકેલવા ટોરેન્ટ પાવર અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ કંટ્રોલરૂમ ખાતે હાજર હોવાનું જણાવી તેમણે કહ્યું કે આજે સુધીમાં પાણી ભરાવાની કુલ ૧૬૯ ફરિયાદોનો નિકાલ કરાયો છે, જ્યારે ૧૦૭ પર કામગીરી ચાલુ છે. આ સિવાય , ઝાડ પડવાની ૬૭ ફરિયાદોમાંથી ૪૩નો નિકાલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને શહેરની કોઈ પણ સોસાયટીમાં પાણી ભરાયેલું ન રહે તે માટે રાહત કામગીરીને ઝડપી બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. તદુપરાંત, આગામી સમયમાં પણ વરસાદ જેવી પરિસ્થિતિમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે પ્રકારની તકેદારી રાખવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક કામગીરીને પ્રાધાન્ય આપવા પર પણ મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીશ્રીની આજની આ સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશ બારોટ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.