અમદાવાદમાં વરસાદ વચ્ચે AMCનું તંત્ર ખડેપગે: પાણીના નિકાલ અને નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સજ્જ
બાકરોલમાં 12.42 ઇંચ, સરખેજમાં 12.05 ઇંચ, બોપલમાં 10.20 ઇંચ, વાસણા બેરેજના 20 ગેટ ખોલાયા; 8 અંડરપાસમાંથી 6 ફરી શરૂ, 50થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ: મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની
*મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ*
અમદાવાદ, 23 જુલાઈ, 2026:
અમદાવાદ શહેરમાં આજે સવારે થયેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને એસ.જી. હાઈવેની બંને તરફ આવેલા નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં ટૂંકા સમયગાળામાં ભારે તીવ્રતાથી વરસાદ પડ્યો હતો. બોપલ, સરખેજ, બાકરોલ, જોધપુર, મકરબા, વેજલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમગ્ર તંત્ર સજ્જ કરવામાં આવ્યું હતું. મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કંટ્રોલ રૂમ તેમજ ફિલ્ડમાં રહીને પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વધારાના વહીવટી અને ટેકનિકલ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી. એડિશનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સાઉથ વેસ્ટ ઝોન સાથે તથા નોર્થ વેસ્ટ ઝોન સાથે જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વધારાના ટેકનિકલ સ્ટાફ, પમ્પ તથા જરૂરી સાધનસામગ્રી પણ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 23 જુલાઈ, 2026ના સવારે 8:00થી સાંજે 7:00 વાગ્યા સુધી ભારે વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ બાકરોલમાં 315.50 મી.મી. (12.42 ઇંચ), સરખેજમાં 306.00 મી.મી. (12.05 ઇંચ), બોપલમાં 259.00 મી.મી. (10.20 ઇંચ), સરખેજ UHCમાં 258.00 મી.મી. (10.16 ઇંચ), જોધપુરમાં 253.50 મી.મી. (9.98 ઇંચ), જોધપુર ઝોનલ અને મક્તમપુરામાં 243.50 મી.મી. (9.59 ઇંચ), બોડકદેવમાં 227.50 મી.મી. (8.96 ઇંચ), વાસણામાં 219.00 મી.મી. (8.62 ઇંચ), થલતેજમાં 214.50 મી.મી. (8.44 ઇંચ), મેમનગરમાં 211.00 મી.મી. (8.31 ઇંચ), સાયન્સ સિટીમાં 208.00 મી.મી. (8.19 ઇંચ), પાલડીમાં 198.00 મી.મી. (7.80 ઇંચ), દાણાપીઠમાં 191.50 મી.મી. (7.54 ઇંચ), નવરંગપુરામાં 191.00 મી.મી. (7.52 ઇંચ), દૂધેશ્વરમાં 184.00 મી.મી. (7.24 ઇંચ), ઉસ્માનપુરામાં 177.50 મી.મી. (6.99 ઇંચ), કાળુપુરમાં 174.50 મી.મી. (6.87 ઇંચ), લાંભામાં 173.00 મી.મી. (6.81 ઇંચ), ગોતામાં 167.50 મી.મી. (6.59 ઇંચ), રાણીપમાં 160.50 મી.મી. (6.32 ઇંચ), ચાંદલોડિયામાં 156.00 મી.મી. (6.14 ઇંચ), વટવામાં 147.50 મી.મી. (5.81 ઇંચ), ઓગણજમાં 141.00 મી.મી. (5.55 ઇંચ), મણિનગરમાં 138.50 મી.મી. (5.45 ઇંચ), અસારવામાં 137.50 મી.મી. (5.41 ઇંચ), મોટેરામાં 132.50 મી.મી. (5.22 ઇંચ), ઇન્દ્રપુરીમાં 125.50 મી.મી. (4.94 ઇંચ), ચાંદખેડામાં 111.00 મી.મી. (4.37 ઇંચ), ચકુડિયામાં 110.00 મી.મી. (4.33 ઇંચ), વિરાટનગરમાં 105.50 મી.મી. (4.15 ઇંચ), ઓઢવમાં 97.00 મી.મી. (3.82 ઇંચ), મેમકોમાં 94.00 મી.મી. (3.70 ઇંચ), નરોડામાં 91.00 મી.મી. (3.58 ઇંચ), હાંસપુરામાં 89.00 મી.મી. (3.50 ઇંચ), ઓઢવ ડી.પી.માં 86.50 મી.મી. (3.41 ઇંચ), રામોલમાં 85.50 મી.મી. (3.37 ઇંચ), સરદારનગરમાં 79.50 મી.મી. (3.13 ઇંચ), નિકોલ અને વસ્ત્રાલમાં 76.50 મી.મી. (3.01 ઇંચ), કોતરપુરમાં 72.00 મી.મી. (2.83 ઇંચ) તથા કઠવાડામાં 58.50 મી.મી. (2.30 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં ઓછા સમયમાં ભારે વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
ભારે વરસાદ બાદ પાણી ભરાયેલી સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કરવો AMCની પ્રથમ પ્રાથમિકતા રહી હતી. કુલ 43 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનની 18, ઉત્તર પશ્ચિમ ઝોનની 10, ઉત્તર ઝોનની 8, મધ્ય ઝોનની 6 અને પશ્ચિમ ઝોનની 1 સોસાયટીનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ પાણીના નિકાલ માટે પમ્પ, બેરલ પમ્પ સહિત જરૂરી સાધનો સાથે ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરમાં પાણી ભરાવા અંગે કુલ 102 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. અગાઉ ઓળખાયેલા કુલ 148 વોટર લોગિંગ સ્પોટમાંથી 82 સ્થળોએ આજે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે 66 સ્થળોએ પાણી ભરાયું નહોતું. પૂર્વ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહેતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી નહોતી.
શહેરના વિવિધ ચાર રસ્તા અને જંકશનો પરથી પાણીના ઝડપી નિકાલ માટે વધારાની ડ્રેનેજ વ્યવસ્થાઓ ખોલવામાં આવી હતી. જ્યાં જરૂરી હતું ત્યાં વધારાના પમ્પિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાઉથ બોપલ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે પાણી ભરાયું હતું. આવા સ્થળોએ જરૂરીયાત મુજબ બાઉન્ડ્રી વોલમાં ફેરફાર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્ટ્રોમ વોટરના ઝડપી નિકાલ માટે વાસણા બેરેજનું લેવલ 124.5 ફૂટ સુધી જાળવવામાં આવ્યું હતું અને વાસણા બેરેજના તમામ 20 ગેટ ખોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વેસ્ટર્ન ટ્રંકલાઇનની ઉપલબ્ધ ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલમાં ઝડપ આવી હતી.
નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં આવેલા વિવિધ તળાવોમાં સ્ટ્રોમ વોટર કનેક્ટિવિટી અને ડ્રેનેજ નેટવર્કના કારણે વરસાદી પાણીનો સારો સંગ્રહ થયો હતો. અગાઉ ખાલી રહેતા કેટલાક તળાવોમાં પણ આ વખતે વરસાદી પાણી પહોંચ્યું હતું.
ભારે વરસાદને પગલે શહેરના કુલ 8 અંડરપાસમાંથી 6 અંડરપાસ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે અખબારનગર અને મકરબા અંડરપાસ હાલ બંધ છે. નાગરિકોને બંધ કરાયેલા અંડરપાસમાં અનધિકૃત રીતે પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોટલ કંટ્રોલ રૂમ ખાતે ઝાડ પડવા અંગે કુલ 41 કોલ પ્રાપ્ત થયા હતા, જેમાંથી 35 કોલનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકીની કામગીરી પ્રગતિ હેઠળ છે. ફાયર વિભાગને મળેલા 11 કોલ પર તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી.
ફાયર વિભાગની ટીમો દ્વારા કુલ 8 રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 50થી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં સનસિટી ખાતે લિફ્ટમાં ફસાયેલા લોકો, થલતેજ ખાતે ફસાયેલા લોકો, ગોતા સ્મશાન ખાતે કારમાં ફસાયેલા લોકો, માણેકબાગ ખાતે સ્થળાંતરની કામગીરી, મકરબા-બકેરી સિટી ખાતે સ્કૂલ બસમાં ફસાયેલા બાળકો, આનંદનગર ખાતે વાહનમાં ફસાયેલા લોકો તથા બોપલ-આમલી વિસ્તારમાં મકાનમાં ફસાયેલા લોકોનો સમાવેશ થાય છે.
મકાન, દિવાલ અથવા છત તૂટવા અંગે કુલ 5 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ભારે વરસાદ દરમિયાન પોલીસ વિભાગ સાથે AMCનું સંકલન અસરકારક રહ્યું હતું. પોલીસ કમિશનરશ્રી સહિત પોલીસ વિભાગની ટીમો અને AMCના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પાણી ભરાયેલા ચાર રસ્તા અને મુખ્ય માર્ગો પર સંકલિત રીતે કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, AMCની કામગીરીમાં નાગરિકોની સુરક્ષા, પાણીનો ઝડપી નિકાલ, આરોગ્ય અને સેનિટેશનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. AMCના ફાયર વિભાગ, ગાર્ડન વિભાગ, લાઇટ વિભાગ તથા તમામ ઝોનલ ટીમો સંપૂર્ણપણે સજ્જ છે.
વરસાદ બાદ પાણી ઓસરતા વિસ્તારોમાં હેલ્થ વિભાગની ટીમો દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવશે. પીવાના પાણી અંગે નાગરિકોને સાવચેતી રાખવા, જરૂર જણાય તો પાણી ઉકાળીને પીવા તથા આરોગ્ય વિભાગની સલાહ મુજબ ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને અનાવશ્યક રીતે ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, બંધ કરાયેલા અંડરપાસમાં પ્રવેશ ન કરવા તથા વીજ પોલ અને વીજ ઉપકરણોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. શાળા-કોલેજો તથા સંબંધિત સંસ્થાઓને પણ ભારે વરસાદની સ્થિતિમાં જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે.
મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની તીવ્રતા અને ઓછા સમયમાં થયેલા વધુ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ AMCનું સમગ્ર તંત્ર ખડેપગે રહીને કામગીરી કરી રહ્યું છે. તમામ ઝોનના કંટ્રોલ રૂમ સક્રિય છે અને ફિલ્ડ ટીમો સતત કાર્યરત છે. નાગરિકોની સલામતી અને પાણીના ઝડપી નિકાલ માટે તમામ જરૂરી સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(આ આંકડાકીય માહિતી સાંજના 6.00 વાગ્યા સુધીની છે)
