કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ 49 ટીમો અને આર્મીની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં વાવ. – થરાદ, પાટણ, અને અરવલ્લી જિલ્લામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાહત-બચાવની કામગીરી તેજ: ૫,૫૦૦થી વધુ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ જ્યારે ૩૮,૬૫૩ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા બે કલાકમાં વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાભર, અરવલ્લીના ધનસુરા, અમરેલીના લીલિયા અને પાટણના સાંતલપુર તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા ૩૮,૬૫૩ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૫,૫૪૭ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં NDRF અને SDRFની ૪૯ ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ભારતીય સેના (Indian Army) ની ૨-૨ ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરા ખાતે એરફોર્સની ટીમ દ્વારા નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે, જ્યારે કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા નવસારી, વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વધુમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
