Western Times News

Gujarati News

૧૫ ધારાસભ્ય લઈને આવે તો નીતિન પટેલને અમારું સમર્થન

વિધાનસભા ગૃહમાં જ કોંગ્રેસની બમ્પર ઓફર

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર બહુ માર્મિક કટાક્ષ કરતાં ગૃહમાં થોડી રમૂજની સાથે સાથે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે શાબ્દિક  ટપાટપી પણ થઇ હતી, જેને લઇ ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા દરમિયાન વિરજી ઠુમ્મરે કોંગ્રેસ તરફથી બમ્પર ઓફર આપતાં જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને અમારો એમને ટેકો છે, એ ૧૫ ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. તમારા પક્ષના લોકો તમને સમજી શકતા નથી.

ઠુમ્મરની આ વાત સાંભળીને ગૃહમાં વિપક્ષમાં હાસ્યની લાગણી પ્રસરી ગઇ હતી. જા કે, વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા ટકોર કરી વિરજીભાઈ ગત વખતે તમારા ૧૨ ધારાસભ્યો જતા રહ્યા હતાં. અમારી ચિંતા કર્યા વગર તમારું ઘર સંભાળો. આ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રદિપસિંહ સપોર્ટમાં આવ્યા હતા અને કોંગ્રેસના સભ્યોને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે, નીતિનભાઈ સાથે આખું મંત્રીમંડળ અને આખું ભાજપ છે, અલગ સંદર્ભમાં વાત જોડવી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૯ ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ દ્વારા બનાવવામાં આવી રહેલા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જ્યાં પહોંચ્યો છું ત્યાં એમને એમ અહીં નથી પહોંચાતું તમે ટીવીમાં જોતા જ હશો, છાપામાં જોતા જ હશો પૂછો અમારા ધારાસભ્યોને એક બાજુ બધા ને એકબાજુ હું એકલો, એ ઉમિયા માતાના આશીર્વાદ છે.

આ લોહી બોલે છે, તમારા બધાના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું. મને માતાજીના એટલા આશીર્વાદ છે કે બધી જગ્યાએ મને યાદ આવવાનું યાદ આવી જ જાય છે. બીજા લોકોને ઘણાને નથીયે ગમતું, કે ભૂલાવવા મથીએ છીએ પણ નીતિનભાઈ ભૂલતા નથી. નીતિનભાઇના આ નિવેદનને લઇ હાલમાં રાજકારણ ગરમાયું હતુ,ં કોંગ્રેસે આજે ગૃહમાં તેમના નિવેદનને લઇ એક ડગલુ આગળ ઓફર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.