Western Times News

Gujarati News

વડોદરાના એક પરિવારના ૪ સભ્યોના મૃતદેહ મળ્યા

અમદાવાદ: સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના લાપતા બનેલા પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો આજે ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળતાં આ કેસમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો બીજીબાજુ, અનેક ગંભીર સવાલો પણ તપાસ માટે ઉઠયા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યા હતા. જા કે, કલ્પેશની પત્ની તૃપ્તિ હજુ પણ લાપતા છે, જેથી ફાયર બ્રિગેડ વધુ શોધખોળ કરી રહી છે. તો બીજીબાજુ, સમગ્ર મામલે સ્થાનિક પોલીસે પણ હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, કેનાલમાંથી જે રીતે કાર અને તેની અંદરથી મૃતદેહો મળ્યા છે તેને જાતાં રાત્રિના અંધકારમાં કાર ચલાવવાનું જજમેન્ટ લેવામાં ભૂલ થવાથી કલ્પેશભાઈની કાર કેનાલમાં ખાબકી હોઈ શકે છે. પરંતુ આ મામલે હજી તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સાચા કારણો જાણી શકાશે. કલ્પેશભાઈના પત્નીની હજુ સુધી ભાળ મળી નથી. આ મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવાપુરાનો વેપારી કલ્પેશ પરમાર રવિવારે પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન તેમજ દીકરા અને દીકરીને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવ્યો હતો. સાંજે કારમાં પરત વડોદરા જવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો.

પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ નહીં મળતા કલ્પેશના સાળા કિરણે કેવડિયા પોલીસ મથકમાં જાણવાજાગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેવડિયા વિસ્તારના સવારથી સાંજ સુધીના સીસીટીવી ફુટેજની ચકાસણી કરતાં સાંજે ૭-૦૦ વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા તરફ જતી કાર દેખાઇ હતી. નવાપુરામાં રહેતા અને ગુમ થયેલા કલ્પેશભાઇ પરમાર કમ્પ્યુટર ઉપર ડેટા એન્ટ્રી સાથે શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરે છે.

કલ્પેશભાઇ હંમેશા પરિવારને સાથે લઇને જ ફરવા જતા હતા તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું છે. તાજેતરમાં મુંબઇ ખાતે પણ પરિવારને ફરવા લઇ ગયા હતા અને તે પૂર્વે રાજસ્થાન પણ ફરવા માટે લઇ ગયા હતા. ત્યારબાદ તા.૧ માર્ચના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે લઇ ગયા હતા. ત્યારબાદ પરિવાર ગુમ થઇ ગયો હતો.

ત્યારબાદ આજે ડભોઇ પાસે નર્મદા કેનાલમાંથી કાર મળી આવી છે અને જેમાંથી ચાર મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, પરિવારમાં તો શોકનો માહોલ છવાઇ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.