Western Times News

Gujarati News

વટવામાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદાની કથળેલી પરિસ્થિતિ  વચ્ચે એક પછી એક ગંભીર બનાવો બની રહ્યાં છે. જેનાં પરીણામે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે ગુનાખોરી આચરી રહ્યાં છે. શહેરનાં વટવા વિસ્તારમાં આરોપીઓએ પ્રેમપ્રકરણમાં ગઈકાલે રાત્રે તેનાં ઘરની બહારથી જ યુવકનું અપહરણ કરી ઉઠાવી જતાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટના બાદ શહેરભરનું પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આરોપીઓ વિરમગામના રહેવાસી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. યુવાનનું અપહરણ થતાં પરિવારજનો ખૂબ જ ચિંતિત બની ગયાં છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરનાં વટવા વિસ્તારમાં આવેલાં ઓમ શાંતિ નગરમાં પ્રકાશ દશરથભાઈ ઠાકોર પોતાનાં પરિવાર સાથે રહે છે. પ્રકાશભાઈ ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરી રહ્યાં છે. પ્રકાશભાઈનાં બે નાનાં ભાઈઓ અલ્પેશ અને હિતેશ પણ તેમની સાથે જ રહે છે.

પ્રકાશભાઈનું મોસાળ વિરમગામ આવેલું છે. જેનાં પરીણામે પ્રકાશભાઈનાં પરિવારજનો અવારનવાર વિરમગામ જાય છે. આ દરમિયાનમાં પ્રકાશભાઈનો નાનો ભાઈ અલ્પેશ પણ વારંવાર વિરમગામ જતો હતો. આ દરમિયાનમાં વિરમગામમાં જ રહેતી એક યુવતી સાથે તેનો પરિચય થયો હતો. અલ્પેશ અને આ યુવતી એકબીજાનાં પરિચયમાં આવ્યા બાદ અચાનક જ યુવતીનાં અન્ય યુવક સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતા.

જેનાં પગલે આ યુવતી તે સમયે અમદાવાદ પ્રકાશભાઈનાં ઘરે આવી હતી. જાકે પ્રકાશભાઈએ આ યુવતીને તેનાં પિતાને જાણ કરી તેમને સોંપી દીધી હતી. આ ઘટના બાદ છેલ્લાં કેટલાંક દિવસથી યુવતીનાં પિતા તથા અન્ય લોકો પ્રકાશભાઈને તથા તેમનાં નાના ભાઈઓને ફોન કરી ધાકધમકી આપતાં હતાં અને અલ્પેશને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હતાં.

પ્રકાશભાઈ રિક્ષા ચલાવતાં હોવાથી ગઈકાલે રાત્રિનાં સમયે તેઓ પોતાની રીક્ષા લઈ વેજલપુરમાં હતા આ દરમ્યાનમાં અલ્પેશ તથા હિતેશ અને અન્ય પરિવારનાં સભ્યો ઘરે હાજર હતાં આ દરમિયાનમાં અલ્પેશ ફ્લેટમાં નીચે ઉતર્યાે હતો ત્યારે અચાનક જ એક કાર આવી હતી અને તેમાંથી કેટલાંક શખ્સો નીચે ઉતર્યા હતાં. આ શખ્સોએ અલ્પેશને માર મારી કારમાં તેનું અપહરણ કરી ઉઠાવી ગયા હતાં.

જેનાં પગલે બુમાબુમ થતાં હિતેશ પણ દોડી આવ્યો હતો. જાકે હિતેશ આવે એ પહેલાં આ કાર રવાના થઈ ગઈ હતી. જેનાં પગલે ગભરાઈ ગયેલાં હિતેશે મોટાભાઈ પ્રકાશને જાણ કરી હતી. ભાઈનું અપહરણ થયું હોવાની જાણ થતાં જ પ્રકાશ તાત્કાલીક ઘરે આવી પહોંચ્યો હતો. ઘરનાં તમામ સભ્યો ખૂબ જ ચિંતિત બની ગયા હતાં.

પ્રકાશભાઈએ તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશને પહોંચી જઈ પોતાના ભાઈ અલ્પેશને યુવતીનાં પિતા ગુણા ઠાકોર તથા તેના ચાર સાગરીતોએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસ અધિકારીઓ પણ ચાંકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક ઠેર ઠેર નાકાબંધી કરી અલ્પેશને છોડાવવાનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં. જાકે મોડી રાત સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આમ પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ થતાં પોલીસ અધિકારીઓએ તાત્કાલિક વિરમગામ પોલીસને પણ આ અંગેની જાણ કરી છે. અને હાલમાં અલ્પેશની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વટવા પોલીસે ગુણા ઠાકોર તથા તેનાં સાગરીતો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.