Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં સરકાર વસતી વિષયક ફેરફારો નહીં કરેઃ અમિત શાહ

નવીદિલ્હી, નવી રચાયેલી જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના ૨૪ સભ્યના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત લીધી અને તેમની સાથે ૪૦ મુદ્દે ચર્ચા કરી, જેમાં રાજ્યમાં લદાયેલા નિયંત્રણો, અટકમાં લેવાયેલા લોકોની મુક્તિ, ઇન્ટરનેટ સેવા પૂર્વવત્ કરવી અને કર્ફ્યૂમાં છૂટછાટ જેવા મુદ્દા સામેલ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વસતી વિષયક ફેરફાર નહીં કરાય. એક રાજ્ય પાસેથી લોકોને જે આશા હોય છે તે આશા જમ્મુ-કાશ્મીરમાં પૂરી થશે. તે માટે સમાજના તમામ વર્ગો સાથે વાત કરાશે. આગામી થોડા મહિનામાં ગ્રાઉન્ડ લેવલે ફેરફારો જોવા મળશે. ગત ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરાયા બાદ પહેલી વાર રાજ્યના કોઇ પક્ષના પ્રતિનિધિમંડળે ગૃહ મંત્રીની મુલાકાત લીધી. નિયંત્રણો અંગે શાહે કહ્યું કે તેમાં છૂટછાટ અંગેના તમામ નિર્ણયો ગ્રાઉન્ડ લેવલ પરની વાસ્તવિકતાઓ આધારિત છે, કોઇના દબાણવશ નહીં. રાજકીય કેદીઓને ભવિષ્યમાં મુક્ત કરી દેવાશે.

 

સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક પણ વ્યક્તિનું મોત ન થાય, પછી તે કાશ્મીરી નાગરિક હોય કે સુરક્ષાકર્મી. શાહે ઉમેર્યું કે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય કાયદાઓના અમલમાં ભેદભાવ નથી. તમામ વર્ગોનું હિત ધ્યાનમાં રખાશે. સરકાર ઝડપી આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા ઔદ્યોગિક નીતિ લાવશે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૭૦ વર્ષમાં થયેલા ૧૩ હજાર કરોડ રૂ.ના રોકાણથી ત્રણ ગણું રોકાણ આગામી ૪ વર્ષમાં આવશે. જમ્મુ કશ્મીર અપની પાર્ટીના વડા અલ્તાફ બુખારીની આગેવાનીવાળા પ્રતિનિધિમંડળ અને શાહ વચ્ચે બેઠક લગભગ ૨ કલાક સુધી ચાલી. બુખારીએ કહ્યું કે ગૃહ મંત્રીએ ખાતરી આપી કે ભવિષ્યમાં સરકાર જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો આપવા પ્રયાસ કરશે.

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોને એકસંપ થવા અપીલ કરતા કહ્યું છે કે તમામ પક્ષોએ ભેગા મળીને કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરવી જોઇએ કે રાજ્ય બહારની જેલોમાં કેદ નેતાઓને પાછા લાવવામાં આવે. ફારુકે જણાવ્યું કે મુક્ત થયા બાદ તેઓ રાજકીય નિવેદન આપવાનું ટાળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.