Western Times News

Gujarati News

કોરોના કહેર: દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી બજાર બંધ

નવી દિલ્હી, દિલ્હીમાં કોરોના વાઈરસનો ભય જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીના તમામ જીમ, નાઈટ ક્લબ અને સ્પા સેન્ટરોને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50થી વધારે લોકોના એક જગ્યા પર એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પછી ભલેને લગ્ન સમારોહ જ કેમ ના હોય.
સોમવારે અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરૂરી ના હોય તો તેને સ્થગિત કરી દેવામાં આવે. લોકો ભીડમાં જાય નહી અને ના તો ભીડ એકઠી થવા દે. કોરોનાને લઈને લોકોમાં ભય ફેલાવો નહી, પરંતુ જાગૃત થાવ. સરકાર કોરોનાનો સામનો કરવા જરૂરી અને ત્વરિત પગલાં ભરી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં સાત કેસ આવ્યા છે, ચાર હોસ્પિટલમાં એડમીટ છે. એકનું મોત થયું છે. અન્ય સાજા થઈ ગયા છે.
તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં હાથ ધોવા માટે મોબાઈલ સેવા શરૂ કરવામાં આવશે. સોસાયટી વગેરેની બહાર સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 50થી વધારે લોકોવાળા કાર્યક્રમોને મંજુરી આપવામાં નહી આવે. કેજરીવાલે લોકોને અપીલ કરી કે જો બની શકે તો લગ્ન સમારોહ પણ ટાળવા. પરંતુ તેના પર રોક લગાવવામાં આવી નથી. કેજરીવાલે કહ્યું કે, મોલ પર હજુ રોક લગાવવામાં આવી નથી પરંતુ જરૂર પડ્યે તેના પર એક-બે દિવસમાં વિચાર કરવામાં આવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.