Western Times News

Latest News in Gujarat

ખાડીયામાં ૧૪૪ની કલમનો ભંગ કરનાર ૧૯ની અટકાયત

ગઈકાલે જનતા ફકર્યુ બાદ લોકો મોટી સંખ્યામાં ગરબા ગાતાં પોલીસે શરૂ કરેલી કાર્યવાહીઃ ર૦ની શોધખોળ ચાલુ

(પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ વડાપ્રધાને રરમી માર્ચના દિવસે જનતા ફકર્યુનું આહવાન કર્યુ હતું જેને સમગ્ર દિવસ દરમિયાન જનતાનું પ્રચંડ સમર્થન મળ્યું હતું જાકે સાંજે પ.૦૦ વાગ્યે પોલીસ અને ડોકટર ઉપરાંત અન્ય કર્મીઓના અભિવાદન સમયે ખાડીયા વિસ્તારનો માહોલ બદલાયો હતો. કલમ ૧૪૪ લાગુ હોવા છતાં લોકોનું મોટું ટોળું એકત્ર થઈને બહાર નીકળી પડયું હતું અને સમુહમાં ઢોલ, થાળી સાથે નીકળીને ચાલીસેક જેટલા સ્ત્રી-પુરૂષોના ટોળા ગરબે ઘુમવા લાગ્યા હતા અને કેટલાય સમય સુધી ગરબે રમ્યા બાદ ખાડીયા પોલીસને જાણ થતાં જ ત્યાં પહોંચી ગયા હતા અને ર૦ જેટલા સ્ત્રી- પુરૂષો સામે કલમ ૧૪૪ના ઉલ્લંઘન હેઠળ ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત બાકીના ર૦ લોકોની પણ ઓળખ હાથ ધરાઈ છે અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

રવિવારે જનતા કફર્યુને સમર્થન આપ્યા બાદ સાંજે પાંચ વાગ્યે અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલી રાયપુર પોલીસ ચોકીની સામે લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને લાભ કાર્ડ નામની દુકાન સામે ગરબે રમવાનું શરૂ કર્યુ હતું જેમાં ત્રણેક જેટલા પુરૂષો વચ્ચે ઢોલ વગાડતા હતા જયારે બાકીના સ્ત્રી પુરૂષો હાથમાં થાળીઓ લઈ ઉત્સવ મનાવતા હોય તેમ ગરબે ઘુમી રહયા હતા

કોરોના વાઈરસનો ત્રીજા તબક્કામાં પ્રવેશ થવાથી એક તરફ નાગરિકોમાં ચેપ લાગવાનો ભય રહેલો છે જેને પગલે તમામને કમસે કમ મીટરનું અંતર રાખવાનું જણાવ્યુ હોવા છતાં ટોળા વળવાની ઘટના અંગે ખાડીયા પોલીસને જાણ થતાં જ પીઆઈ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાઉડ સ્પીકરમાં ટોળાને વિખરાઈ જવા માટે સુચના આપવામાં આવી હતી.

બાદમાં કલમ ૧૪૪ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરતાં રાવલ શેરીના અંકીત જાડીયો, કાનો, મનોજ રાવળ, અલ્પેશ કાંતિ રાવળ, ઉત્સવ રાણા, પ્રીતીબેન, પખાલીની પોળમાં રહેતા પ્રતીક પરમાર, ધવલ પઢીયાર, દિવ્ય, વેરાઈ માતાની પોળના બીજલબેન રાણા, ભાઉની પોળના અમરીશ, રૂગનાથપુરાની પોળના ગગન ભીલ, લાલાવસાની પોળના મનોજ રાવળ, ફાફડાની પોળના ભાવીન સોની, પરબડીની પોળના લાલો રાણા, ઘુનાની પોળના દિવ્યમ પટેલ, ઉપરાંત કિશોર રાવલ, માનવ સહીત નાગરિકોની ધરપકડ કરી હતી.

ઉપરાંત ભાગી ગયેલા અન્ય ર૦ લોકોને પણ ઝડપી લેવા માટ ઓળખવિધી હાથ ધરવામાં આવી છે. આ ર૦ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આખો દિવસ સ્વયંભૂ કફર્યુના પાલન બાદ કેટલાંક વિસ્તારોમાં ટોળાઓ બહાર નીકળવાના વિડીયો વાઈરલ થયા હતા જેની ગંભીર નોંધ મ્યુનિસિપલ કમિશનર રાજયના ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીએ પણ લેતાં હવે પોલીસને કડક હાથે કામ લેવા માટે છુટો દોર આપવામાં આવ્યો છે.