Western Times News

Gujarati News

બચુભાઇ ખાબડ અને જસંવતસિંહ દેવગઢબારીયાની મુલાકાત લઇ નાગરિકોની સ્થિતિથી અવગત થયા

દાહોદ, દાહોદ જિલ્લાના નાગરિકો કોરોના વાયરસને માત આપવા માટે લોકડાઉનનું ચુસ્ત પાલન કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં રાજય કક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદશ્રી જસંવતસિંહ ભાભોર સામાન્યજન લોકડાઉન દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમની સ્થિતિથી વાકેફ થઇ તેમને વર્તમાન સ્થિતિનો જોમભેર સામનો કરવા પ્રેરીત કરી રહ્યા છે.

મંત્રીશ્રી ખાબડ અને સાંસદશ્રી ભાભોરે દેવગઢબારીયા તાલુકાની મુલાકાત લઇ લોકડાઉનના કપરા સમયમાં નાગરિકોની સ્થિતિથી અવગત થયા હતા. સાથે તાલુકામાં લોકડાઉનનું અસરકારક પાલન કરવામાં આવે છે કે નહી તેની સમીક્ષા કરી હતી. તેમણે સસ્તા રાશનની દુકાનોની પણ મુલાકાત લીધી હતી અને કાર્ડધારકોને રાશન યોગ્ય રીતે મળી રહે છે કે નહી, રાશનની ગુણવત્તા વગેરે બાબતે માહિતી મેળવી હતી. તેમણે નાગરિકોને આવશ્યક વસ્તુઓની ખરીદી વખતે માસ્ક પહેરવા માટે અને સામાજિક અંતર રાખવા જણાવ્યું હતું. નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને દવાઓ-રાશન ખરીદીમાં પણ હોમ ડિલીવરી જેવી સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

મંત્રી શ્રી ખાબડે નાગરિકોને જણાવ્યું હતું કે, જિલ્લામાં રાશનનો પૂરતો જથ્થો સૌકોઇ માટે ઉપલબ્ધ છે. જીવનજરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળતી રહે તે માટે બધી જ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું હતું કે, નાગરિકોએ કોરોનાને હરાવવા માટે લોકડાઉનના પાલનમાં સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ. શાકભાજી કરીયાણા ખરીદી વખતે પણ માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું ખૂબ જરૂરી છે. આ મુલાકાત સમયે દેવગઢ બારીયાના મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.