Western Times News

Gujarati News

લિંકન ફાર્માસ્યુટિકલ્સને કોવિડ-19 સામે લડવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન ટેબ્લેટના ઉત્પાદનને મંજૂરી મળી

અમદાવાદ, એપ્રિલ 27, 2020 – ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડને કોવિડ-19 સામે અસરકારક રહેનારી હાઈડ્રોક્સીક્લોરોક્વિન (એચસીક્યુ) સહિતની અન્ય આવશ્યક દવાઓના ઉત્પાદનની મંજૂરી મળી ગઈ છે. કંપનીને અમદાવાદ ખાતે ખાત્રજમાં તેના પ્લાન્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન ટેબ્લેટ્સ અને હાઈડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટ ટેબ્લેટ્સ સહિતની દવાઓના ઉત્પાદન કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડિમિનિસ્ટ્રેશન, ગુજરાત તરફથી મંજૂરી પ્રાપ્ત થઈ છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (જીટીએફટી) પાસેથી જરૂરી મંજૂરી મળ્યા બાદ કંપની આ પ્રોડક્ટ્સની નિકાસ કરી શકશે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત તરફથી લિંકનના ખાત્રજ ખાતે આવેલા પ્લાન્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટ ટેબ્લેટ યુએસપી 200 એમજી, 300 એમજી અને 400 એમજી ડોસેજ અને  હાઈડ્રોક્સીક્લોરોક્વિન ટેબ્લેટ આઈપી અનુક્રમે 200 એમજી, 300 એમજી અને 400 એમજી ડોસેજના ઉત્પાદનને મંજૂરી મળી છે.

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમારી પાસે અમદાવાદમાં ખાત્રજ ખાતે આવેલા પોતાના અત્યાધુનિક ઉત્પાદન એકમ ખાતે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ છે અને અમે આ મંજૂરી પ્રાપ્ત દવાઓનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન શક્ય એટલી વહેલી તકે શરૂ કરવા માંગીએ છીએ. કંપની કોવિડ-19 મહામારી સામે લડવા પ્રતિબદ્ધ છે અને દવાઓનો પુરવઠો અવિરતપણે પૂરો પાડવા માટે સરકાર અને સંબંધિત હિસ્સેદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહી છે. કોવિડ-19 દ્વારા ઊભી થયેલી કોઈપણ પ્રકારની કટોકટી અથવા અરાજકતાની પરિસ્થિતિને પહોંચી વળવાના મુખ્ય ઉદ્દેશ સાથે આવશ્યક દવાઓના વિતરણની કામગીરી હાથ ધરવા કંપનીએ એક ટાસ્ક ફોર્સનું પણ નિર્માણ કર્યું છે.

કોવિડ-19ની બીમારીનો ભોગ બનેલા અને તેની સારવાર હેઠળના દર્દીઓને પ્રિસ્ક્રીપ્શનના આધારે સામાન્ય રીતે હાઈડ્રોક્સીક્લોરોક્વિન લેવાની ભલામણ કરાય છે. ભારત હાલ આ દવાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને હાલની કટોકટીભરી સ્થિતિમાં વિશ્વભરના દેશોમાં આ દવા પહોંચાડી રહ્યો છે.

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ લોકોના તંદુરસ્ત જીવન માટે કિફાયતી અને નવીનતાસભર દવાઓની શોધ અને ઉત્પાદન કરે છે. કંપનીએ 15 થેરાપેટિક ક્ષેત્રોમાં 300થી વધુ ફોર્મ્યુલેશન વિકસાવ્યા છે અને એન્ટી-ઈન્ફેક્ટિવ, રેસ્પિરેટરી સિસ્ટમ, ગાયનેકોલોજી, કાર્ડિયો અને સીએનએસ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ડાયાબિટિક, એન્ટી-મેલેરિયા જેવા મજબૂત પ્રોડક્ટ/બ્રાન્ડ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ 20થી વધુ પેટન્ટ અરજીઓ દાખલ કરેલી છે અને પાંચ પેટન્ટ ધરાવે છે. કંપની આફ્રિકા, સેન્ટ્રલ અમેરિકા અને સાઉથ-ઈસ્ટ એશિયા સહિતના 60થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. કંપની એક્યુટ સેગમેન્ટમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા લાઈફસ્ટાઈલ અને ક્રોનિક સેગમેન્ટ, ખાસ કરીને મહિલા આરોગ્યસેવા અને ડર્મેટોલોજીમાં મજબૂત પોર્ટફોલિયો ઊભો કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.