Western Times News

Gujarati News

ગુજરાતને કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી  ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ઉપલબ્ધ થયો

૨૪૯૦ કિ.ગ્રામ સંશમની વટી-૧૪૪૦ કિ.ગ્રા. દશમૂલ કવાથ-૧૦ હજાર કિ.ગ્રામ. આયુષ-૬૪ કેપ્સ્યુલ દવાઓનો લાભ રાજ્યના લોકોને મળશે લાભ

અત્યાર સુધીમાં ૧.૭૯ કરોડ ઊકાળા ડોઝ-૧૩.૩૦ લાખ સંશમની વટી વિતરણ થયું છે

આયુર્વેદ ઔષધિના ઉપયોગથી રોગપ્રતિકારક શકિત વધારી સૌના સહયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ધતા
……
વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણ સામેનો જંગ રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વૃદ્ધિથી જીતવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહિવટીતંત્રને અનેકવિધ પગલાંઓ માટે પ્રેરિત કર્યુ છે.
રોગપ્રતિકારક શકિત વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ રાજ્યના નાગરિકો રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીની આ પ્રતિબદ્ધતાના ફળસ્વરૂપે તેમણે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત માટે મેળવ્યો છે.  આ આયુર્વેદ દવાઓ સોમવારે અમદાવાદ આવી પહોચી હતી.

મુખ્યમંત્રીશ્રીના સક્રિય પ્રયાસોથી જે આયુર્વેદ દવાઓ ગુજરાત માટે ફાળવવામાં આવી છે તેમાં ૨૪૯૦ કિ.ગ્રા. સંશમની વટી, ૧૪૪૦ કિ.ગ્રામ દશમૂલ કવાથ અને ૧૦ હજાર કિ.ગ્રામ આયુષ-૬૪ કેપ્સ્યુલનો સમાવેશ થાય છે.
આ દવાઓ સામાન્યત: ૭ દિવસ માટે લેવાની હોય છે તે દ્રષ્ટિએ સાડા ચાર લાખથી વધુ લોકોને તેનો લાભ મળી શકશે તેવો અંદાજ છે.  કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.

ગુજરાતમાં આ આયુર્વેદિક દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા સાર્વત્રિક બનાવાઈ છે ત્યારે રાજ્યમાં આ આયુર્વેદિક દવાનો જથ્થો જળવાઈ રહે તે માટે વધુ ૭ ટન આયુર્વેદિક દવાઓ ગુજરાતને ઉપલધ થયો છે.  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતાં આયુર્વેદ ઔષધિઓના ઉપયોગ અને ઊકાળા વિતરણથી નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપેલા હતા.

આ સંદર્ભમાં રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા ૧ કરોડ ૭૯ લાખ જેટલા ડોઝ રોગપ્રતિરોધક ઊકાળાના નાગરિકોને આપવામાં આવ્યા છે.  એટલું જ નહિ, સંશમની વટી ગોળીનો લાભ ૧૩.૩૦ લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-૩૦ પોટેન્સિ નો ૧ કરોડ પ લાખ લોકોએ લાભ મેળવ્યો છે. ગુજરાતે આયુર્વેદના પ્રચાર-પ્રસાર અને ઉપયોગને પ્રાધાન્ય આપેલું છે અને રાજ્યની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને ભારત સરકારે આયુર્વેદ શોધ-સંશોધન સેન્ટર ઓફ એકસલન્સ તરીકે પણ માન્યતા આપેલી છે ત્યારે રાજ્યમાં વધુને વધુ લોકો આયુર્વેદ દવાઓના ઉપયોગથી રોગપ્રતિકારક શકિત વધારે તેવી મુખ્યમંત્રીશ્રીની નેમ છે.

એટલું જ નહિ, કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં પણ આવી આયુર્વેદ દવાઓ અકસીર પૂરવાર થઇ રહી છે તેનું ઉદાહરણ ગુજરાતે પુરૂં પાડયું છે.  રાજ્યમાં કોવિડ કેર સેન્ટરમાં એસિમ્ટોમેટીક ૧ર૧૧ દર્દીઓને આયુર્વેદ સારવાર અપાય છે અને ૪ર૭ દર્દીઓ તો સાજા પણ થયા છે.  આયુર્વેદના રોગપ્રતિકારક ઊકાળા અમૃત પેયનું પ૬૮ સરકારી આયુર્વેદ દવાખાના તથા ૩૮ હોસ્પિટલ દ્વારા રાજ્યમાં વિતરણ કરાય છે.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયતો-નગરપાલિકાઓ સાથે કોરોના સ્થિતીની સમીક્ષા-ફિડબેક માટે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં પણ આવા આયુર્વેદ ઊકાળા-દવાઓના ઘેર-ઘેર વિતરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.  અમદાવાદમાં બે લાખ ઘરોમાં આવી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદ દવા – સંશમની વટી અને હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ-30નું આયોજનબદ્ધ ડોર ટુ ડોર સુધી વિતરણ કરવાનું આયોજન પણ કરાયું છે.

હવે, રાજ્યમાં આ આયુર્વેદ દવાઓનો વધારાનો જથ્થો આવી પહોંચતા વધુને વધુ લોકોને લાભ આપીને રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેની લડાઇ સહિયારી તાકાતથી જીતવામાં નવું બળ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.