Western Times News

Gujarati News

સલામતિનાં પૂરતાં પગલાં લેવા રાસાયણિક જોખમી એકમોને ગુજરાત સરકારનો નિર્દેશ

ગાંધીનગર ગયા સપ્તાહે આંધ્ર પ્રદેશના કેમિકલ પ્લાન્ટમાં બનેલી ગેસ લીકેજની ઘટનાના પગલે ડિરેકટરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) તરફથી રાસાયણિક તથા અન્ય જોખમી એકમોને લૉકડાઉન પછી ફરીથી કામગીરીનો પ્રારંભ કરાય ત્યારે તથા લૉકડાઉનમાં જેમને કામ કરવાની મંજૂરી અપાઈ છે તે એકમોને સલામતિનાં પૂરતાં પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ડીશના એક સરક્યુલરમાં જણાવવામાં આવ્યુ છે કે “ ફેકટરીઓ ફરીથી શરૂ કરવામાં આવે ત્યારે શરૂઆતની પ્રક્રિયાનિયંત્રણ અને સલામતિનાં પગલાંની પૂરતી તાલિમ ધરાવનાર સિનિયર ટેકનિકલ એન્જીન્યરના સુપરવિઝન હેઠળ હાથ ધરાવી જોઈએ. આ ઉપરાંત ફેકટરી ફરીથી શરૂ કરવાના સમયે તથા કામના સમગ્ર કલાકો દરમ્યાન તમામ કામદારો માન્ય તથા યોગ્ય પર્સનલ પ્રોટેકટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ)નો ઉપયોગ કરે તેની ખાત્રી રાખવાની રહેશે.” સરક્યુલરમાં ફેકટરીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે સલામત સંચાલન પધ્ધતિ તૈયાર કરીને તે અનુસાર કામ કરવાનુ રહેશે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે રાજ્ય સરકાર શ્રમિકોની સલામતિ માટે કટિબધ્ધ છે અને તેથી જ ઔદ્યોગિક અકસ્માત ટાળવા માટે ફેકટરીઓને અગાઉથી સલામતિ અંગે ચકાસણી કરવા માટેનો તથા સલામતિની માર્ગરેખાઓનુ કડક પાલન કરવા માટેનો આ સરક્યુલર જારી કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે “ હાલના ગરમ તાપમાનને કારણે અમે ફેકટરીઓને ઝેરી ગેસની ટાંકીઓ સંપૂર્ણ રીતે ચકાસી જવા તથા અને કામ શરૂ કરાય તે પહેલાં જરૂર જણાય તો પ્રેશર ગેઝ, અને દબાણ મુક્ત કરતી ડિવાઈસિસને ચકાસી જવા તથા કેલીબરેટ કરવા માટે જણાવ્યું છે. ”

મિત્રાએ કહ્યું કે તેમણે ફેકટરીઓને ઝેરી અને જ્વલનશીલ ગેસ શોધી શકે તેવી સિસ્ટમ્સ તપાસી જવા તથા કોઈ પણ ભોગે મહત્વની સિસ્ટમની ચકાસણીમાં બેદરકારી દાખવાય નહી તે બાબતે ધ્યાન રાખવા જણાવ્યુ છે.

તેમણે વધુમાં કહ્યું કે “અમે ફેકટરીઓને નિયમિતપણે ઈમરજન્સી સિસ્ટમ તપાસી જવા તથા તે કાર્યરત (ચાલુ) હોય તેની ચકાસણી રાખતા રહેવા પણ જણાવ્યું છે. તેમને પોતાના સંકુલમાં જોખમી ગેસને ન્યુટ્રલાઈઝ કરતા માધ્યમો અને એન્ટીડોટસનો પૂરતો જથ્થો રાખવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ”

સરક્યુલરમાં જે અન્ય પગલાં ભરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે તેમાં જોખમ ઘટાડવા માટે પ્રાથમિક સારવાર તથા અગ્નિશમનનાં સાધનો, શ્વાસ લેવા માટેનાં સાધનો તથા અન્ય તાકીદે ઉપયોગમાં લેવાનાં ઉપકરણો ચાલુ સ્થિતિમાં રાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફેકટરીમાં રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર થાય તો તેની તુરત જ ખાત્રી રાખવા માટે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.