Western Times News

Gujarati News

 5 ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્ર તરફ અગ્રેસર થવાનું વિઝન: માંડવિયા

નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રજૂ કરેલું એમનું અને મોદી સરકાર 2.0નું પ્રથમ બજેટ ભારતીય જનતાની લાગણીનું પ્રતિબિંબ રજૂ કરે છે. એમાં નવા ભારતનાં નિર્માણ માટે મહત્ત્વાકાંક્ષી પહેલો અને ઉજ્જવળ ભવિષ્યની દરખાસ્તો પ્રસ્તુત કરવામાં આવી છે.

આ બજેટ આગામી પેઢીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે, નહિં કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને. પરિવર્તન, સુધારો અને તેના માટેની યોગ્ય કામગીરી નાં મંત્ર સાથે આ બજેટ આંશિક અભિગમ ને બદલે સંપૂર્ણ અભિગમ તરફ સારા ઇરાદાને પ્રતિબિંબિત કરે છે.

યુનિયન બજેટ 2019માં ગ્રામીણ ભારત, રેલવે, કનેક્ટિવિટી, યુનિફાઇડ ડિજિટલ પેમેન્ટ, આંતરિક જળમાર્ગો, કરવેરા, શિક્ષણ અને નાણાકીય ક્ષેત્રો માટે વિકાસલક્ષી પહેલો સાથે ભારતનાં સામાન્ય નાગરિકો માટે જીવનને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગામ, ગરીબ અને ખેડૂત પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે બજેટમાં હર ઘર જલ અને શહેરોમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હાથ ધરીને સ્વચ્છ ભારત અભિયાન જેવી પહેલો મારફતે વર્ષ 2022 સુધીમાં દરેક ગ્રામીણ કુટુંબને પાણી, વીજળી, ગેસ કનેક્શન અને સ્વચ્છ શૌચાલયો પ્રદાન કરવાની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

આ બજેટને વધુ એક મહિલા-સશક્તીકરણ બજેટ તરીકે ગણાવવાને બદલે એમાં વિવિધ પહેલો દ્વારા મહિલા-સંચાલિત અર્થતંત્ર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેની નોંધ લેવી જોઈએ. નારી તું નારાયણી દ્વારા નાણાં મંત્રીએ મહિલા ઉદ્યોગસાહસિકો માટે મુદ્રા યોજના હેઠળ રૂ. 1 લાખની લોન અને જન ધન ખાતા ધરાવતા સ્વસહાય જૂથને દરેક માન્યતા પ્રાપ્ત સભ્ય માટે રૂ. 5,000નાં ઓવરડ્રાફ્ટની સુવિધા પ્રસ્તુત કરી છે.

બજેટમાં ગગનયાન, ચંદ્રયાન જેવી પહેલો મારફતે ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં મહાસત્તા બનવાની આકાંક્ષા તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકાર ઇસરોનાં સંશોધન અને વિકાસને આગળ વધારીને એને વધુ કાર્યક્ષમ બનાવવા એની પ્રોફેશનલ કંપની ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) રચવાની દરખાસ્ત રજૂ કરી છે.

કનેક્ટિવિટી અન્ય એક સમસ્યા છે, જેને બજેટમાં સાગરમાલા અને ભારતમાલા જેવી પહેલો સાથે સ્પર્શવામાં આવી હતી. આ બંને પહેલોથી ભારતની માળખાગત સુવિધાને વધારે પ્રોત્સાહન મળશે. બજેટમાં વન નેશન વન ગ્રિડ માટે વાત કરવામાં આવી હતી અને ઇ-વાહનોનાં વેચાણને વેગ આપવા માટે વિવિધ પ્રોત્સાહનો રજૂ કરવામાં આવ્યાં છે. બજેટમાં ગંગાની કાર્ગો વહનક્ષમતામાં ચાર ગણો વધારો કરવાની દરખાસ્ત પણ  રજૂ કરવામાં આવી હતી.

બજેટમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનાં સફળ અમલ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું, જેને પૂર્ણ કરવાનાં વર્ષ 2022નાં લક્ષ્યાંકથી માત્ર 3 ટકા દૂર છે. આ ઉપરાંત બજેટમાં 35 કરોડ એલઇડી બલ્બનાં વિતરણ દ્વારા આશરે રૂ. 18,341 કરોડની બચત થઈ હોવાની સાથે ઊર્જાદક્ષ નવા ભારત તરફ આપણે અગ્રેસર થઈ રહ્યાં હોવાની જાણકારી આપવામાં આવી છે.

નાણાં મંત્રીએ છેલ્લાં પાંચ વર્ષમાં પ્રત્યક્ષ કરવેરાની આવકમાં 78 ટકાની વૃદ્ધિ માટે કરવેરાની ચૂકવણી કરતા પ્રામાણિક ભારતીય નાગરિકોને અભિનંદન આપ્યાં હતા. બજેટમાં સરકારી બેંકોની એનપીએમાં રૂ. 1 લાખ કરોડ સુધીનો ઘટાડો થયો હોવાની અને આઇબીસી વગેરે જેવા કડક બેંકિંગ કાયદાને કારણે રૂ. 4 લાખ કરોડથી વધારેની વસૂલાત થઈ હોવાની વાત પણ કરવામાં આવી હતી.

નાણાકીય વર્ષ 2013-14માં દુનિયામાં ભારત 11મું સૌથી મોટું અર્થતંત્ર હતું અને અત્યારે દુનિયામાં છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. યુનિટન બજેટ 2019માં ભારતને આગામી થોડાં વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવવા માટેનો માર્ગ મોકળો કરવાનું વિઝન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.